Gujarat High Court: ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ વૈભવી ડી. નાણાવટીએ એક મહત્ત્વના ચુકાદા મારફતે સરકારી ઠરાવો મુજબ બઢતી અને પગારના એડજસ્ટમેન્ટના વચનો મુજબ કાર્ય સહાયક સંવર્ગના સભ્યો (કારકુન, ટેકનિકલ આસિસ્ટન્ટ મિસ્ત્રી વગેરે)ને તેમના કાર્યકાળના આધારે ઉચ્ચ પગાર ધોરણનો લાભ આપવા રાજય સરકારને હુકમ કર્યો હતો. વધુમાં, હાઈકોર્ટે પગારધોરણના એડજસ્ટમેન્ટના અમલમાં વિલંબના કારણે મંજૂર કરાયેલા પગારની વસૂલાતને પણ ગેરકાયદે ગણાવી હતી. હાઈકોર્ટે સ્પષ્ટપણે ઠરાવ્યું હતું કે, વહીવટી વિલંબના કારણે કર્મચારીઓને તેમના વચનબધ્ધ પગારધોરણના લાભોથી વંચિત રાખી શકાય નહીં તેમજ તેને નકારી પણ ન શકાય.
અરજદાર કર્મચારીઓ પાસેથી પગારની વસૂલાત ગેરકાયદે: હાઈકોર્ટ
જસ્ટિસ વૈભવી ડી. નાણાવટીએ પોતાના ચુકાદામાં સ્પષ્ટપણે ઠરાવ્યું કે, અરજદાર કર્મચારીઓ પાસેથી પશ્ચાદવર્તી અસરથી પગારની વસૂલાત ગેરકાયદે અને ગેરવાજબી હતી. સરકારનો કપાતનો નિર્ણય વાજબી પગારલાભ અને સેવાના કાર્યકાળ માટે વળતર અંગેના સરકારના ઠરાવોના ઉદેશ્ય સાથે વિરોધાભાસી ઠરે છે. હાઈકોર્ટે અરજદારોને તેમની નોકરીના સેવાના વર્ષો મુજબ, ઉચ્ચ પગાર ધોરણનો લાભ આપવા અથવા 9-18-27 વર્ષ યોજના અથવા 12-24 વર્ષની સ્કીમ મુજબ જે યોગ્ય હોય તે મુજબ લાભો ચૂકવી આપવા રાજય સરકારને ફરમાન કર્યું હતું.
આ પણ વાંચોઃ ‘કમર, મણકા-ઘૂંટણના દર્દીઓના પણ કાર્ડિયોગ્રામ કર્યા…’ ખ્યાતિ હોસ્પિટલના ડૉક્ટરોની કરતૂતો
અરજદારે કર્યો દાવો
હાઈકોર્ટે પોતાના ચુકાદામાં નિયમિત પગાર અને પ્રમોશનલ અપગ્રેડેશનમાં અયોગ્ય રીતે વિલંબ ન કરવાની રાજય સરકારની ફરજ હોવાનું સ્પષ્ટ રીતે ઠરાવ્યું હતું. અરજદાર ધી વર્ક આસિસ્ટન્ટ એસોસિએશન (પીડબલ્યુડી) રોડ એન્ડ બિલ્ડીંગ ડિપાર્ટમેન્ટ) તરફથી કરવામાં આવેલી અરજીમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે, અરજદાર એસોસિએશનના કર્મચારીઓ કારકૂન, ટેકનિકલ આસિસ્ટન્ટ, સબ ઓવર્સીયર, મિસ્ત્રી સહિતની વિવિધ જગ્યાઓ પર કામ કરતા હતાં. વર્ષ 1984ના ઠરાવને પગલે તેમની નોકરી 1985માં દાખલ કરાયેલા ભરતી નિયમો સાથે એક જ કેડર વર્ક આસિસ્ટન્ટમાં મર્જ કરવામાં આવી હતી. આ પુનઃ રચના થવા છતાં રાજય સરકાર નવા સંવર્ગના સભ્યો માટે ચોક્કસ પગાર ધોરણ સ્થાપિત કરવામાં નિષ્ફળ રહી હતી. એટલું જ નહીં, 1987ના ઠરાવમાં અરજદાર સભ્યોને ઉચ્ચ પગાર ધોરણો અને પ્રમોશનલ લાભો મળવાપાત્ર હતાં, તેમ છતાં રાજય સરકારે આ એડજસ્ટમેન્ટની અમલવારીમાં ગંભીર વિલંબ દાખવ્યો હતો. જેના કારણે અસરગ્રસ્ત કર્મચારીઓને યોગ્ય પગારધોરણ ચૂકવાયું ન હતું.
આ પણ વાંચોઃ ચાંદીની થાળીમાં જમવાના 600 અને બુફેમાં 1000 રૂપિયા, કર્ણાવતી ક્લબનો હાસ્યાસ્પદ નિર્ણય!
અરજદાર કર્મચારીઓ તરફથી અદાલતનું ધ્યાન દોરવામાં આવ્યું કે, અરજદાર કર્મચારીઓ સમયસર પગારધોરણ અપગ્રેડ અને પ્રમોશન આપવામાં રાજય સરકારની નિષ્ફળતાએ અરજદારોને તેમના વૈધાનિક અધિકારોથી વંચિત કર્યા છે. જયારે કેડરનું વિલીનીકરણ પારદર્શક હતું તેમ છતાં વચનબદ્ધ ભરતી નિયમો અને પ્રમોશનલ લાભોની સાર્થક અમલવારી શકય બની શકી નહીં.