અમદાવાદ, ગુરૂવાર
શહેરના મીરઝાપુરમાં આશરે દોઢ વર્ષ પહેલા મોંહમદ બિલાલ બેલીમ નામના યુવકની કરીમખાન સૈયદ, તેના પુત્ર મોહસીન, ઇમરાન અને વસીમ પઠાણે ધંધાકીય અદાવતમાં છરીના 40 જેટલા ઘા મારીને ક્રુર હત્યા કરી હતી. આ કેસમાં શાહપુર પોલીસે તમામ આરોપીની ધરપકડ કરી હતી.
આ કેસના તમામ આરોપીઓએ અલગ અલગ સમયે નીચલી કોર્ટથી માંડીને ગુજરાત હાઇકોર્ટમાં અલગ અલગ કારણ આપીને જામીન માટે અરજી કરી હતી. પરંતુ, કોર્ટે ગુનાની ગંભીરતા અને અગાઉ આરોપીએ સાબરમતી સેન્ટ્લ જેલમાંથી ધમકી આપ્યાની ઘટનાને ધ્યાનમાં રાખીને કોર્ટે જામીન અરજી નકારી કાઢી હતી. ત્યારે કરીમ સૈયદે બાયપાસ સર્જરીની સલાહ અને હાર્ટની સારવાર માટે જામીન અરજી મુકી હતી.
આરોપીની ઉમર અને તેની બિમારીને ધ્યાનમાં રાખીને કોર્ટે જામીન મંજુર કર્યા હતા. ત્યારબાદ સારવાર ચાલુ હોવાનું જણાવીને 9 એપ્રિલ સુધી જામીન આપીને કોર્ટમાં મેડીકલ સારવારના કાગળો રજૂ કરવા માટેની તાકીદ કરી હતી. પરંતુ, બુધવારે ગુજરાત હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવેલા કાગળોમાં આરોપી કરીમખાન સૈયદને ગંભીર સારવારની જરૂર ન હોવાનું જણાતા કોર્ટે આ બાબતને ગંભીરતાથી લઇને આગામી પાંચ દિવસ સુધી જામીન વધારીને જેલ ઓથોરીટીને જરૂરી સારવાર કરવા માટે તાકીદ કરી હતી. આમ, કોર્ટમાં સારવારના નામે કરવામાં આવેલી જામીન અરજીને લઇને આરોપીઓ વધુ એકવાર વિવાદમાં આવ્યા છે.