E Sakshya Mobile Application : ઓનલાઇન એફઆઇઆર નોંધવાની ફાવટ ગુજરાત પોલીસને આવી ગઈ છે. હવે કોઈપણ ગુનામાં પંચનામું સીધું જ કોર્ટમાં જમા થાય તેવી ઍપ્લિકેશન ગુજરાતમાં અમલી બની છે. રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોમાં જેમને ગુનાની તપાસ કરવાની સત્તા છે તેવા પોલીસ અમલદારોને તેમના મોબાઇલ ફોનમાં ઈ-સાક્ષ્ય ઍપ્લિકેશન ડાઉનલોડ કરાવવામાં આવી છે. સાક્ષ્ય નામની આ ઍપ્લિકેશનથી ગુનાના સ્થળ ઉપર પોલીસ દ્વારા કરવામાં આવતું પંચનામુ સીઘું જ કોર્ટમાં જમા થાય છે. જો કે, ઍપ્લિકેશનના આરંભે જ સર્જાયેલી અમુક સમસ્યા ઉકેલાય તેમ પોલીસ ઇચ્છે છે.
નવી આધુનિક પદ્ધતિથી પોલીસ-કોર્ટ વચ્ચે સંકલન અને કાર્યવાહી ઝડપી બનશે
નવા કાયદા અમલમાં આવ્યા તે સાથે ઈ-સાક્ષ્ય ઍપ્લિકેશન આવી છે તેમાં તપાસનીશ પોલીસ કર્મચારી, અધિકારીએ સાક્ષી, પંચનામું, જડતી કાર્યવાહીની વીડિયોગ્રાફી પોતાના મોબાઇલ ફોનથી કરી આ ઍપ્લિકેશન ઉપર સ્થળ ઉપરથી લાઇવ જ મોકલી આપવાની રહે છે. તપાસનીશ પોલીસ કર્મચારીએ પોતાની સેલ્ફી, ફરિયાદીનો ફોટોગ્રાફ, બે પંચના ફોટોગ્રાફ, નામ-સરનામા સહિતની વિગતો આ ઍપ્લિકેશનમાં અપલોડ કરવાની રહે છે. જે સ્થળે ઘટના બની હોય તે સ્થળની વીડિયોગ્રાફી પણ મોબાઇલ ફોન ઉપર ડાઉનલોડ કરેલી ઍપ્લિકેશનમાં તપાસનીશે અપલોડ કરવાનું ગત જુલાઈ મહિનાથી ફરજિયાત બનાવાયું છે.
આ વિગતો બનાવ બન્યો હોય તે સ્થળ જે કોર્ટમાં આવતું હોય તે અદાલતમાં જ સીધી જમા થઈ જાય છે. આ ઍપ્લિકેશન અપલોડ થાય એટલે પોલીસને ઈ-સાક્ષ્ય પંચનામું કર્યાનું પ્રમાણપત્ર ઓનલાઇન જ મળી જાય છે આઘુનિક એવી આ નવી પદ્ધતિમાં રહેલી ત્રુટિઓથી પોલીસ પરેશાન પણ છે. સમસ્યા એ છે કે, પોલીસે આ ઈ-સાક્ષ્ય પંચનામાની ત્રણ સી.ડી. અથવા તો ત્રણ પેનડ્રાઇવ તૈયાર કરવી પડે છે. 48 કલાકમાં જ આ સી.ડી. કે પેનડ્રાઇવને મૂળ પંચોની રૂબરૂમાં જ સીલ કરીને કોર્ટમાં રજૂ કરવાનું કહે છે. બીજી પેનડ્રાઇવ વ્યવસ્થિત રીતે સ્ટોરેજ કરવાની રહે છે. ગત જુલાઈ મહિનાથી અમલમાં આવેલી આ પદ્ધતિનો અમલ અમદાવાદ સહિત રાજ્યના ઘણાં ખરાં પોલીસ સ્ટેશનમાં અમલ થતો નથી.
સ્થિતિ એ સર્જાઈ છે કે, 60 કે 90 દિવસમાં ગુનાની ચાર્જશીટ કરવામાં આવે ત્યારે કોર્ટ સી.ડી. કે પેનડ્રાઇવ માંગે છે. વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફ સાથેની સી.ડી. રજૂ ન થઈ શકવાથી કોર્ટ ચાર્જશીટ ગ્રાહ્ય રાખતી ન હોવાની નવી સમસ્યા સર્જાઈ છે. પોલીસની વેદના એ છે કે, ઈ-સાક્ષ્યની કોઈ જ તાલીમ અપાઈ નથી કે સી.ડી. કે પેન ડ્રાઈવ પણ પોલીસને આપવામાં આવતી નથી. પોલીસે દૈનિક કામગીરીમાં પંચનામા કરવા પડે છે. આથી, ફરિયાદ અંગેની વર્તમાન કામગીરી યથાવત્ છે તે વચ્ચે ફોટોગ્રાફ પાડવા ઉપરાંત સીલ કરવાની કામગીરી યોગ્ય રીતે પૂર્ણ કરી શકે કે કેમ તે સવાલ છે.
સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસિજરનો અમલ કરવાનો પોલીસને તાકીદ કરાતાં જુલાઈ મહિનાથી અમલ કરવામાં આવી રહ્યો છે. કોઈપણ ગુનામાં પંચનામાની વિગતો ઈ-સાક્ષ્યમાં તપાસ અધિકારી દ્વારા અપલોડ કરવી ફરજિયાત બનાવાઈ છે. સાથે જ, પંચનામાના નામ, સરનામા અને ફોટોગ્રાફ સાથેની વિગતો પણ આ ઍપ્લિકેશનમાં નોંધવી પડે છે. આ ઍપ્લિકેશન અપડેટ થતી રહે છે તેથી તેને સતત અપલોડ કરવું પડે છે. આ દરમિયાન અગાઉના ડેટા પણ મિસ્ડ થતાં હોવાની પોલીસની ફરિયાદ છે. ઍપ્લિકેશન અંગેની કોઈ સમસ્યા, કઈ રીતે ઉપયોગ કરવો તેની સમજ આપવી, ઇન્ટરનેટ કનેક્ટિવિટી સહિતના અનેક પ્રશ્નો વચ્ચે ઈ-સાક્ષ્ય ઍપ્લિકેશન અત્યારે તો પોલીસ માટે માથાના દુઃખાવારૂપ બની છે.
90 દિવસ થતાં ચાર્જશીટ સાથે કોર્ટ ઈ-પંચનામા માગતી હોવાથી અમદાવાદ પોલીસ મૂંઝવણમાં
ગાંધીનગરથી આદેશ મુજબ ગત જુલાઈથી સાક્ષ્ય ઍપ્લિકેશન અમલમાં આવી ગઈ હતી. વાસ્તવિક પંચનામું આ ઍપ્લિકેશનથી વાસ્તવિક સમયે જ સીધું કોર્ટમાં જમા થઈ જાય એટલે પોલીસને તેમની ઍપ્લિકેશન ઉપર જ પંચનામું મળી ગયાનું પ્રમાણપત્ર મળે છે. ચાર્જશીટ સમયે પોલીસે આ પ્રમાણપત્ર મૂકવાનું રહે છે. હવે સ્થિતિ એ સર્જાઈ છે કે, 60 કે 90 દિવસે ચાર્જશીટ થયાં હોય તેવા અનેક ગુનામાં પોલીસે સાક્ષ્ય ઍપ્લિકેશનથી ઈ- પંચનામા રજૂ કર્યાં નથી અને અમુક કોર્ટ ઈ-પંચનામા માંગે છે.
ત્રણ મહિનામાં આવેલી ‘ઓનલાઇન ફરિયાદો’માં શું કાર્યવાહી કરી?
પ્રજાજનો હવે ઓનલાઇન ફરિયાદો કરી શકે છે. સામાન્ય, શરીર સંબંધિત અને મિલકત સંબંધિત કોગ્નીઝેબલ અને નોન-કોગ્નીઝેબલ ગુના પોલીસના પોર્ટલ, ઍપ્લિકેશન, ઈ-મેલ કે વોટ્સ એપથી ઓનલાઇન નોંધાવી શકાય છે. ઓનલાઇન ફરિયાદના ત્રણ દિવસમાં ફરિયાદીને પોલીસ સ્ટેશન બોલાવાય છે. ફરિયાદી ત્રણ દિવસમાં આવ્યા કે બોલાવાયા કે નહીં તેમજ ફરિયાદીને બોલાવાયા ન હોય તો ઓનલાઇન ફરિયાદનો નિકાલ થયો કે કેમ? તે અંગે અમદાવાદના તમામ પોલીસ સ્ટેશનો પાસે વિગતો મંગાવવામાં આવી છે. સપ્ટેમ્બરથી નવેમ્બર, ત્રણ મહિના દરમિયાન ઓનલાઇન ફરિયાદો અંગે શું કાર્યવાહી થઈ તેનો રિવ્યુ ડીજીપી દ્વારા યોજાનારી ક્રાઇમ કોન્ફરન્સમાં કરવામાં આવનાર છે.
પંચનામાના ઈ-પુરાવાથી સજાનું પ્રમાણ વધશે
ઉચ્ચ અધિકારી સૂત્રોએ જણાવ્યું કે, કોઈપણ સ્થળનું લાઇવ અને વાસ્તવિક પંચનામું આ ઍપ્લિકેશનથી વાસ્તવિક સમયે જ સીધું કોર્ટમાં જમા થઈ જાય છે. સાક્ષ્ય ઍપ્લિકેશનથી રજૂ થયેલા પંચનામામાં સાક્ષી અને પંચનામાના વીડિયો હોય છે જે ઈ-પુરાવા ગણાય છે. આવા ઈ-પુરાવાથી સાક્ષી હોસ્ટાઇલ થવાની કે નકલી સાક્ષી રજૂ થવાની ઝંઝટ દૂર થવા સાથે જ અદાલતમાં કેસોનો ઝડપી નિકાલ થશે અને કેસોમાં સજાનું પ્રમાણ વધશે. પંચો ફોડવા સહિતની પ્રવૃત્તિ કરતાં આરોપીઓની કારી હવે ફાવશે નહીં.