અમદાવાદ, બુધવાર
ખ્યાતિ હોસ્પિટલકાંડની તપાસમાં ક્રાઇમબ્રાંચને એક પછી એક ચોંકાવનારી વિગતો મળી રહી છે. જેમાં એનએબીએચ માન્ય હોસ્પિટલોને પીએમજેએવાય હેઠળ થતી સર્જરી અને અન્ય સારવાર અંગેનો ત્રિમાસિક ઓડિટ રિપોર્ટ આરોગ્ય વિભાગમાં આપવાનો હોય છે. પરંતુ, હોસ્પિટલો દ્વારા આપવામાં આવતા રિપાર્ટને આરોગ્ય વિભાગની મિલીભગતથી યોગ્ય રીતે ચકાસવામાં આવતો નથી. આમ,પીએમજેએવાય હેઠળ માત્ર ખ્યાતિ હોસ્પિટલ જ નહી પણ અન્ય હોસ્પિટલોમાં પણ મોટું કૌભાંડ સુવ્યવસ્થિત રીતે ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે પીએમજેએવાયના શંકાસ્પદ ઓડિટ મામલે ક્રાઇમબ્રાંચ દ્વારા તપાસ કરવામાં આવશે. ખ્યાતિ હોસ્પિટલકાંડની તપાસમાં અમદાવાદ ક્રાઇમબ્રાંચે ગેરકાયદેસર રીતે આયુષ્યમાન કાર્ડ ઇસ્યુ કરવાનું કૌભાંડ ઝડપીને તપાસ શરૂ કરી છે. ત્યારે અત્યાર સુધીની તપાસમાં પોલીસને વધુ વિગતો મળી છે કે એનએબીએચ (નેશનલ એક્રેડીટેશન બોર્ડ ઓફ હોસ્પિટલ) માન્ય હોસ્પિટલમાં જ પીએમજેએવાય હેઠળ ઓપરેશન કરવાની પરવાનગી મળે છે. જેમાં હોસ્પિટલમાં ત્રણ મહિના દરમિયાન પીએમજેએવાય હેઠળ થતા ઓપરેશનનો ત્રિમાસિક રિપોર્ટ આરોગ્ય વિભાગમાં સબમીટ કરવાનો હોય છે.
પરંતુ, ગુજરાતમાં એનએબીએચની માન્યતા ધરાવતી અનેક હોસ્પિટલોમાં ખ્યાતિ હોસ્પિટલની માફક આયુષ્યમાન કાર્ડનું કૌભાંડ કરીને સર્જરી કરવામાં આવતી હોવાથી ત્રિમાસિક ઓડિટ રિપોર્ટ ગરબડ કરીને તૈયાર કરવામાં આવે છે. જે આરોગ્ય વિભાગમાં સબમીટ કરવામાં આવે છે. પરતુ, આરોગ્ય વિભાગના જવાબદાર અધિકારીઓ માત્ર નામ પુરતા જ આ રિપોર્ટની ચકાસણી કરે છે.જેના કારણે પીએમજેએવાય હેઠળ આરોગ્ય વિભાગ અને હોસ્પિટલોની સાંઠગાઠને પગલે રાજ્યભરમાં આ કૌભાંડ ચાલી રહ્યું છે. આ અંગે સુત્રોએ જણાવ્યું હતું કે ખ્યાતિ હોસ્પિટલ કાંડની સાથે આગામી દિવસોમાં ક્રાઇમબ્રાંચ આરોગ્ય વિભાગના અધિકારીઓ સામે ગુનો નોંધીને કાર્યવાહી કરશે.