અમદાવાદ,શુક્રવાર,10
જાન્યુ,2025
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાઈ રહેલા ફલાવરશો
માટે તંત્ર દ્વારા વેચાણમાં નહીં મુકવામા આવેલી રુપિયા ૭૦ના દરની ૨૭ તથા રુપિયા
૧૦૦ના દરની ૨૫ ટિકીટ મળી આવતા મ્યુનિ.તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.ગુરુવારે
પહોંચેલા મુલાકાતીઓ પૈકી કેટલાક મેન્યુઅલી ટિકીટ સાથે ફલાવરશોમાં પ્રવેશ કરતા આ
ઘટના સામે આવી હતી.તંત્ર તરફથી આ મામલે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
નોંધાવવામાં આવી છે.
સાબરમતી રિવરફ્રન્ટ ઈવેન્ટ ગ્રાઉન્ડ તેમજ ફલાવર ગાર્ડન વિસ્તારમાં
ઈન્ટરનેશનલ ફલાવર શોનું આયોજન કરવામાં આવ્યુ છે.ગુરૃવારે રિવરફ્રન્ટ ખાતે આયોજીત ફલાવરશો
દરમિયાન શોની પ્રિન્ટેડ ટિકીટો ફરતી થઈ હતી.ઓનલાઈન સર્વર ડાઉન થાય એવા સંજોગોમાં વૈક્લ્પિક
વ્યવસ્થાના ભાગરુપે પ્રિન્ટેડ ટિકીટો રિવરફ્રન્ટ તંત્ર દ્વારા છપાવવામાં આવી હતી.ઓનલાઈન
સર્વર ડાઉન થયું નહીં હોવાછતાં મુલાકાતીઓ પૈકી કેટલાક મુલાકાતીઓ પ્રિન્ટેડ ટિકીટ લઈને
ફલાવરશોમા પહોંચતા સમગ્ર હકીકત બહાર આવવા પામી હતી.સાબરમતી રિવરફ્રન્ટ તંત્રના અધિકારીના
કહેવા મુજબ,ગુરુવારે
અમુક મુલાકાતીઓ દ્વારા પ્રિન્ટેડ ટિકીટ સાથે ફલાવરશોમાં પ્રવેશ કરવા પ્રયાસ કરવામાં
આવ્યો હતો.જેને ટિકીટના વેલિડેશન અને સ્કેનિંગ એજન્સીના સ્ટાફ દ્વારા રોકવામાં આવેલ
હતા.આ ઘટના ધ્યાનમાં આવતા મ્યુનિસિપલ કોર્પોરેશનને આર્થિક નુકસાન પહોંચાડવાના ઈરાદે
આ પ્રકારે પ્રિન્ટેડ ટિકીટ ફરતી કરાઈ હોવાની શંકાના આધારે પોલીસ ફરિયાદ નોંધાવવામા
આવી છે.સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા આ ઘટના ધ્યાનમાં આવતા
ટિકીટ પ્રિન્ટીંગ એજન્સી ૧૮ ક્રીએશન વિરુધ્ધ જનરલ મેનેજર દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
દાખલ કરવામાં આવી છે.