સરદારનગર ઃ લગ્નના ત્રણ મહિનામાં પરિણીતાને ત્રાસ આપવાનું શરૃ કર્યુ
પતિને દેવું થતા પત્ની પાસે રૃ. ૧૦ લાખ દહેજની માંગણી કરી
Updated: Jan 3rd, 2024
અમદાવાદ, બુધવાર
સરદારનગરમાં રહેતી મહિલાને લગ્નના ત્રણ મહિનામાં પતિ સહિત સાસરિયાઓએ ત્રાસ આપવાનું શરૃ કર્યું હતું. પરિણીતા સગર્ભા હતી ત્યારે પતિ સોશિયલ મિડીયામાં અન્ય મહિલાઓ સાથે સંબંધ રાખવા લાગ્યો હતો. અટલું જ નહિ પતિને દેવું થતા પત્નીએ તે અંગે પૂછતા પતિએ તેને માર મારી સળગાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ દસ લાખ દહેજની માંગણી કરીને પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકી હતી. ઉપરાંત પરિણીતાએ પુત્રીને જન્મ આપતા સાસરિયાઓએ અમારે પુત્ર જોઇતો હતો કહીને ત્રાસ આપ્યો હતો. આ બનાવ અંગે એરપોર્ટ પોલીસે પતિ સહિત સાસરીયા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પતિને દેવું થતા પત્ની પાસે રૃ. ૧૦ લાખ દહેજની માંગણી કરીને માર મારી સળગાવી મારી નાખવાની ધમકી આપી કાઢી મૂકી
સરદારનગર વિસ્તારમાં હાંસોલ ખાતે રેહતી ૨૮ વર્ષની મહિલાએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં સેટેલાઇટ વિસ્તારમાં રહેતા પતિ સહીત સાસરીના ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલાએ ૨૦૧૮માં બીજા લગ્ન કર્યા હતા. જેમાં લગ્નના ત્રણ મહિના બાદ સાસુ, પતિ સહિત સાસરીયા મહિલાને નાની-નાની બાબતોમાં મેણા-ટોણા મારીને ત્રાસ આપવા લાગ્યા હતા. તેમજ પરિણીતા પ્રેગ્નન્ટ થતા પતિ સોશિયલ મિડીયામાં અન્ય મહિલાઓ સાથે સંબંધ રાખતો હતો. જેની જાણ થતા પત્નીએ તેને આ અંગે પતિને કહેતા તેની સાથે ઝઘડો કરીને માર માર્યો હતો.
ત્યારબાદ પરિણીતાએ પુત્રીને જન્મ આપતા સાસરિયાઓએ અમારે તો પુત્ર જોઇતો હતો કહીને વધુ ત્રાસ આપવા લાગ્યા હતા. એટલું જ નહી પતિને દેવુ થઇ જતા કેટલાક લોકો ઉઘરાણી કરવા ઘરે આવતા જેથી પત્નીએ પતિને આ અંગે પૂછતા તેને ફટકારીને સળગાવી દઇને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઉપરાંત દેવુ થયુ હોવાનું કહીને પતિ સહિત સાસરિયાઓએ પરિણીતા પાસે રૃ. ૧૦ લાખની માંગણી કરીને માર મારીને ઘરમાંથી કાઢી મૂકી હતી. જેથી કંટાળીને મહિલાએ ફરિયાદ કરતા એરપોર્ટ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.