અમદાવાદ,શનિવાર
શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતી પરિણીત યુવતીએ તેના પતિ પાસેથી છુટાછેડાની માંગણી કરતા માથાભારે પતિએ યુવતીના અંગત ફોટો વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને વધુ વાયરલ કરવાની ધમકી આપી હતી. આ અંગે ઘાટલોડિયા પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી કરી છે. શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતી પરિણીત યુવતીના લગ્ન વડોદરાના વાઘોડિયા નજીકના ગોરજમાં રહેતા યુવક સાથે થયા હતા. યુવતી સાસરીમાં હતી ત્યારે તે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ યુઝ કરતી હતી. ત્યારે તેના પતિએ ઇન્સ્ટાગ્રામ આઇડી અને પાસવર્ડ મેળવીને સાથે ઓપરેટ કરવાની વાત કરી હતી. યુવતીને લગ્નના થોડા સમય બાદ તે પિયરમાં આવી હતી.ત્યારે તેને છાતી અને પીઠમાં એલર્જી થઇ હતી.
જેની સારવાર થતા પતિએ તપાસ કરવા માટે તેને વિડીયો કોલ કરીને તપાસ્યું હતું અને તેનુ્ રેકોર્ડીંગ કર્યું હતું. લગ્ન જીવન દરમિયાન યુવતીને પતિ સાથે મનમેળ ન રહેતા તે ફરીથી સાસરીમાં આવી હતી અને તેણે પતિ પાસે છુટાછેડા માંગતા પતિએ રેકોર્ડીંગ દરમિયાન લીધેલા વિડીયોમાંથી ઇમેજ ક્રોપ કરીને તેને વોટ્સએપમાં ડીપી તરીકે અને ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ પણ મુકી હતી. જેથી યુવતી પતિને આ બાબતે ઠપકો આપતા પતિએ વિડીયો વધુ વાયરલ કરવાની ધમકી આપી હતી. આ અંગે ઘાટલોડિયા પોલીસે ગુનો નોૅંધીને કાર્યવાહી કરી હતી.