શશી રેડ્ડી જાન્યુઆરીમાં વધુ ૩૦૦ને ેંજીછ મોકલવાની ફિરાકમાં હતો
અનેક લોકોએ પ્રોસેસ કરવા માટે સ્થાનિક એજન્ટો દ્વારા લાખો રૂપિયા ચુકવી દીધા હતાઃ કેટલાંક શકમંદ એજન્ટોની ખાનગીમાં પુછપરછ શરૂ કરાઇ
Updated: Dec 25th, 2023
અમદાવાદ,
સોમવાર
ભારતથી ગેરકાયદેસર રીતે વાયા દુબઇ થઇને નિકારાગુઆ એરપોર્ટ પહોંચીને
ત્યાંથી મેક્સિકો બોર્ડર થઇ ૩૦૩ જેટલા ભારતીયો અમેરિકામાં ઘુષણખોરી કરવાના હોવાના સૌથી
મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. આ ભારતીયોમાં
૯૬ જેટલા ગુજરાતીઓ હતા. જેના પગલે પોલીસ ,
ઇમીગ્રેશન અને ઇન્ટેલિજન્સ વિભાગ દ્વારા મહેસાણા,
ગાંધીનગર તેમજ ઉત્તર ગુજરાતના અન્ય શહેરોમાં કેટલાંક શકમંદ એજન્ટોની પુછપરછ કરવામાં
આવી રહી છે. જેમાં બીજો ચોંકાવનારો ખુલાસો
થયો છે કે ઇમીગ્રેશન માફિયા શશી રેડ્ડી વધુ
એક વિમાનમાં ૩૦૦ જેટલા ભારતીયોને દુબઇ થઇને મોકલવાની ફિરાકમાં હતો અને આ માટે મોટાભાગના
લોકોની દુબઇની ટિકિટો પણ બુક થઇ ચુકી હતી. જેમાં લોકોએ અગાઉથી લાખો રૂપિયા પણ ચુકવી દીધા હતા. ફ્રાન્સના પેરિસથી નજીક વેટ્રી એરપોર્ટ પર ૩૦૦થી વઘુ ભારતીયોને લઇને જઇ રહેલું રોમાનિયાનું
લિજેન્ડ એરલાઇનનું વિમાન ફ્યુઅલિંગ માટે લેન્ડ
થયું હતું અને જેમાં ઇમીગ્રેશન વિભાગના અધિકારીઓને શંકા જતા તમામની પુછપરછમાં કબુતરબાજીનો
ખુલાસો થયો હતો. આ પેસેન્જરો પૈકી ૯૬ પેસેન્જર
ગુજરાતીઓ હતા. જે તમામ લોકો મહેસાણા જિલ્લાના હોવાનો કેટલાંક સ્થાનિક લોકો દ્વારા દાવો
કરાયો હતો. સાથે સાથે સ્થાનિક પોલીસ અને સીઆઇડી ક્રાઇમના સ્ટાફ દ્વારા કેટલાંક શકમંદ
એજન્ટોની પુછપરછ કરવામાં આવી રહી છે. બીજી તરફ વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે દિલ્હીમાં રહેતા
ઇમીગ્રેશન માફિયા શશી રેડ્ડી દ્વારા આગામી
જાન્યુઆરી મહિનાના છેલ્લા સપ્તાહ કે ફેબુ્રઆરીમાં ૩૦૦ જેટલા ભારતીય મુસાફરોને દુબઇ થઇને નિકારાગુઆ મોકલવાની યોજના હતી. આ પેસેન્જરોમાં ૭૦ જેટલા ગુજરાતીઓ હોવાનું પણ જાણવા
મળ્યું છે. જો કે ગત ૨૨મી તારીખે વેટ્રી એરપોર્ટ પરથી લિજેન્ડ એરલાઇનનું વિમાન ઇમીગ્રેશન વિભાગ દ્વારા
ઝડપી લેવામાં આવ્યા બાદ એજન્ટો ભૂગર્ભમાં જતા રહેતા તમામ લોકોના નાણાં ડુબી ગયા છે. સુત્રોના જણાવ્યા મુજબ શશી રેડ્ડી વર્ષમાં ૧૫૦૦થી ૧૮૦૦ ભારતીયોને
ગેરકાયદેસર રીતે વિદેશમાં મોકલતો હતો. જેમાં તે રોમાનિયાની લિજેન્ડ સહિત અન્ય એરલાઇનના
વિમાન કરોડો રૂપિયાના ભાડે લેતો હતો.
શશી રેડ્ડી દુબઇથી અમેરિકા મોકલવાની જવાબદારી લેતો હતો
ગેરકાયદેસર રીતે ભારતીયોને અમેરિકા મોકલવાના મુખ્ય માસ્ટર માઇન્ડ શશી રેડ્ડીની અનોખી મોડ્સ ઓપરેન્ડી હતી. જેના કારણે
તે સીધી રીતે પોલીસ કે ઇમીગ્રેશન વિભાગની નજરમાં
આવતો નહોતો. શશી રેડ્ડી સ્થાનિક એજન્ટો પાસેથી ક્લાઇન્ટ મેળવતો હતો. પણ તેમને ખાસ સુચના
આપતો હતો કે તમામને પહેલા દુબઇ મોકલવા અને
તે પછી તે ત્યાંથી તેના નેટવર્કની મદદથી ખાનગી વિમાનમાં મેક્સિકો બોર્ડર લઇ જવાની વ્યવસ્થા
કરતો હતો.
સીઆઇડી ક્રાઇમ વિશેષ ટીમ બનાવીને તપાસ શરૂ કરશે
દેશના સૌથી મોટા કબુતરબાજીના કૌભાંડને લઇને કેન્દ્રીય એજન્સીઓએ
ગુજરાત પોલીસને આ મામલે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરવા માટે સુચના આપી છે.
જેના પગલે સીઆઇડી ક્રાઇમ દ્વારા એક ટીમની રચના કરવામાં આવશે. જેનુ સુપરવિઝન એડીજીપી
કક્ષાના અધિકારી કરશે. સાથે સાથે એસઆઇટીમાં
પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારીઓની સાથે ઇમિગ્રેશન એક્સપર્ટ, ડોક્યુમેન્ટના ફોરેન્સીક
વેરીફિકેશન માટે ફોરેન્સીક એક્સપર્ટનો સમાવેશ થશે. સાથેસાથે એસઆઇટીના રિપોર્ટને નિયમિત
રીતે કેન્દ્ર સરકારની એજન્સીને પણ પહોંચતો કરવાનું કહેવામાં આવ્યું છે. સુત્રોના જણાવ્યા
મુજબ પોલીસ દ્વારા આગામી બુધવારથી તપાસ શરૂ
કરવામાં આવશે.