અમદાવાદ,બુધવાર,4
ડીસેમ્બર,2024
અમદાવાદના હેરીટેજ એવા ભદ્ર પ્લાઝા વિસ્તારમાં ત્રણ વર્ષ
માટે પે એન્ડ પાર્ક પધ્ધતિથી વાહન પાર્કિંગ કરાવવા માટેનો કોન્ટ્રાકટ આપવા
સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત મુકવામાં આવી છે.વાહન પાર્કિંગનો કોન્ટ્રાકટ આપી
ત્રણ વર્ષ માટે ભદ્ર પ્લાઝા પરિસરમાં ફેરીયા અને પાથરણાવાળાઓને તેમના દબાણ મુકવા
માટે મોકળુ મેદાન અપાશે. મ્યુનિસિપલ તંત્રના અધિકારીઓ,ભાજપ અને
કોંગ્રેસના નેતાઓ અને પોલીસ આ તમામની સાંઠગાંઠથી ભદ્રપ્લાઝા વિસ્તારના દબાણ દુર
થતા જ નથી.રુપિયા ૩૬ કરોડના ખર્ચે ડેવલપ કરવામા આવેલા ભદ્રપ્લાઝા વિસ્તારની અસલ
ઓળખ આજે જોવા મળતી નથી.
શહેરના ભદ્ર પ્લાઝા વિસ્તારમાં ત્રણ દરવાજાથી અંદરના ભાગમાં
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા થોડા વર્ષો અગાઉ પે એન્ડ પાર્ક બનાવવામાં આવેલુ છે.
આ પે એન્ડ પાર્કમાં વાહનો પાર્ક કરવાના બદલે ફેરીયા અને પાથરણાવાળા બેસતા હોવાથી
મ્યુનિસિપલ ભાજપના એ સમયના પ્રભારીએ
તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરને બોલાવીને ભદ્ર પરિસરમાં આવેલા પાર્કિંગનો
કોન્ટ્રાકટ રદ કરાવ્યો હતો.હાલના મ્યુનિસિપલ ભાજપના હોદ્દેદારો તેમના જ પક્ષના
નેતાઓના દબાણ હેઠળ ભદ્ર પ્લાઝા પરિસરમાં આવેલા પે એન્ડ પાર્કનો ત્રણ વર્ષ માટે
કોન્ટ્રાકટ આપવા મન બનાવીને બેઠા છે.વાર્ષિક રુપિયા ૧૬.૧૫ લાખની અપસેટ વેલ્યુ સાથે
ઓફર કરનારા પઠાણ રુમાનખાન ઐયુબખાનને પે એન્ડ પાર્ક પધ્ધતિથી વાહન પાર્ક કરાવવાનો
કોન્ટ્રાકટ આપવા સામે ભાજપમાંથી જ આંતરીક વિરોધના સૂર ઉભા થવા પામ્યા છે.નામ નહીં
આપવાની શરતે ભાજપના કોર્પોરેટરોએ કહયુ,
જિલ્લા પંચાયત ઉપરાંત પાનકોરનાકા,
માણેકચોક અને રીલીફ રોડ ઉપર પે એન્ડ પાર્ક પધ્ધતિથી વાહન પાર્ક કરવાનો
કોન્ટ્રાકટ અગાઉ આપવામા આવેલો જ છે. આમ છતાં ભદ્ર પ્લાઝા પરિસરમાં પે એન્ડ પાર્ક
પધ્ધતિથી વાહન પાર્ક કરાવવાનો કોન્ટ્રાકટ અપાશે તો પાર્કિંગની જગ્યામાં વાહન પાર્ક
થવાના બદલે ફેરીયા અને પાથરણાંવાળા અડ્ડો જમાવી બેસી જશે.
શહેર ભાજપ પ્રમુખના સુચન પછી પણ ભદ્રના દબાણ દુર થતા નથી
અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ અને એલિસબ્રિજના ધારાસભ્યે આ
વર્ષે નવરાત્રિ પર્વ સમયે ભદ્રકાળી મંદિર અને પરિસરમાંથી દબાણો દુર કરવા મ્યુનિસિપલ તંત્રને સુચના આપી હતી. આ
ઉપરાંત મ્યુનિ.ની ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેને પણ થોડા દિવસ સુધી રોજ સવારે ભદ્ર
પરિસરમાં રાઉન્ડ લઈ દબાણો દુર કરવા પ્રયાસ કર્યા હતા.પરંતુ તમામનુ સેટીંગ હોવાથી
ભદ્રના દબાણો દુર કરાયા પછી ગણતરીની મિનીટમાં પાછા યથાવત આવી જાય છે.