Paddy Purchase Scam : ટેકાના ભાવે ડાંગરની ખરીદી થઇ રહી છે જેમાં મોટાપાયે ગોટાળો થયો છે. વિરમગામ કેન્દ્ર પર ડાંગર ખરીદી કૌભાંડમાં એક વર્ષ બાદ પોલીસ ફરિયાદ નોધાવવામાં આવી છે. એક તરફ, ગુજરાતમાં ભ્રષ્ટાચાર નિર્મૂળના બણગાં ફુંકવામાં આવી રહ્યાં છે. ત્યારે ડાંગર ખરીદી કૌભાંડની તપાસમાં ઢીલી નિતિ દાખવવામાં આવી રહી છે.
એટલુ જ નહીં, ભાજપના મોટા માથાઓની સંડોવણી હોવાની આશંકાને પગલે આખાય પ્રકરણ પર ઠંડુ પાણી રેડી દેવા પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનો આરોપ છે ત્યારે સમગ્ર મુદ્દે હાઇકોર્ટના નિવૃત ન્યાયાધીશની દેખરેખ હેઠળ તપાસ કરવા માંગ ઉઠી છે.
રૂ.3.67 કરોડની ડાંગરની બોરીઓ ઓછી નીકળી હોવાનો ઘટસ્ફોટ
વિરમગામમા તા.20 નવેમ્બરથી માંડીને 31મી ડિસેમ્બર-2023 સુધી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ડાંગરની ખરીદી કરવામાં આવી હતી. આ કેન્દ્ર પર ઓનલાઇન 3,35,524 ડાંગરના કટ્ટા દર્શાવવામાં આવ્યા હતાં. પરંતુ મામલતદારે સ્થળ તપાસ કરતાં માલુમ પડ્યું કે, 2,24,609 ડાંગરના કટ્ટા પડ્યા હતાં.
આ જોતાં 90,915 ડાંગરની બોરીઓ ગાયબ થઇ ગઇ હતી. ગાયબ ડાંગરના જથ્થાની કિંમત રૂ.3.76 કરોડ થવા જાય છે. 6 જાન્યુઆરી,2025ના રોજ ડાંગરના જથ્થાનું વેરિફેકિશન કરવામાં આવતાં ભાજપ સરકારનું ભોપાળુ બહાર આવ્યું હતું.
કુલ મળીને 1221 ખેડૂતોએ ટેકાના ભાવે ડાંગરનું વેચાણ કર્યુ હતું જે પૈકી 927 ખેડૂતોને પૈસા ચૂકવાયા હતાં જ્યારે 294 ખેડૂતોને હજુ સુધી નાણાં ચૂકવાયાં નથી. કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલે આક્ષેપ કર્યો કે, પોર્ટલના આઇડીના માઘ્યમથી આખુય કૌભાંડ આચરવામાં આવ્યું છે. ભ્રષ્ટાચાર દૂર કરવાની બડાઇ હાંકવામાં આવી રહી છે ત્યારે એક વર્ષ પછી 31મી ડિસેમ્બર,2024ના રોજ આ કૌભાડની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
આ વાતને એક અઠવાડિયુ વિત્યું છે ત્યારે પોલીસે હજુ સુધી એકેય આરોપીને ધરપકડ કરી નથી. અમરેલી લેટરકાંડમાં ગણતરીના કલાકોમાં પાટીદાર દિકરીને પકડીને જાહેરમાં સરઘસ ફેરવનાર પોલીસને કૌભાંડીઓ પકડવામાં રસ નથી. એવો પણ આક્ષેપ કરાયો છેકે, વિરમગામ ડાંગર ખરીદી કૌભાંડમાં નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો રૂ.20 કરોડનો ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છે. આ ઉપરાંત આ કૌભાંડમાં ભાજપના મોટા માથાઓની પણ સંડોવણી છે.