અમદાવાદ,શુક્રવાર,3
જાન્યુ,2025
અમદાવાદના મ્યુનિસિપલ કમિશનરે વર્ષ-૨૦૨૪-૨૫ માટે રુપિયા
૫૫૦૧ કરોડના વિકાસકાર્યો સાથે કુલ રુપિયા ૧૦૮૦૧ કરોડનું ડ્રાફટ અંદાજપત્ર રજૂ
કર્યુ હતુ.કમિશનરના આ બજેટમાં શહેરના વિવિધ વોર્ડ વિસ્તારમાં આવેલા તળાવોનું
ઈન્ટરલિંકીંગ કરી વરસાદી પાણીનો સંગ્રહ કરવા,
શહેરને ઝીરો વેસ્ટ સીટી બનાવવા ઉપરાંત રુપિયા દસ કરોડના ખર્ચે અમૃતકાળપાર્ક
બનાવવા દરખાસ્ત મુકી હતી. શહેરના મધ્ય ઝોનમાં
રુપિયા ત્રણસો કરોડના ખર્ચથી વર્ષો જુની પાણી અને ડ્રેનેજલાઈન બદલવા
બજેટમાં જોગવાઈ કરાઈ હતી. આ પૈકી માત્ર ત્રણ વોર્ડ માટે રુપિયા ૧૬૦ કરોડના ટેન્ડર
કરી શકાયા છે.
મ્યુનિસિપલ કમિશનરે વર્ષ-૨૦૨૪-૨૫ના બજેટમાં શહેરને ઝીરો
વેસ્ટ સીટી બનાવવા ઉપરાંત સોલારસીટી,
સોલાર ટ્રી તથા પચાસ મેગાવોટ રીન્યુએબલ એનર્જી દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનની
કુલ એનર્જી જરુરીયાતના પચાસ ટકા એનર્જી જનરેટ કરાવવા તેમજ એનર્જી સેવિંગ કરી
કાર્બન એમીનેશનમાં ઘટાડો કરવા સહિતના સાંભળવામાં સારા લાગતા આયોજનો તેમના ડ્રાફટ
બજેટમા કર્યા હતા.આ ઉપરાંત વિવિધ વિસ્તારમાં આવેલા પચાસ તળાવોનું ઈન્ટરલિંકીંગ કરી
વરસાદી પાણીનો સંગ્રહ કરવા દરખાસ્ત મુકી હતી.મધ્યઝોનમાં છ વોર્ડ આવેલા છે. આ
વોર્ડમાં પચાસ વર્ષ જુની પાણીની અને ડ્રેનેજની લાઈન બદલવા ત્રણસો કરોડની ફાળવણી
કરી હતી.જમાલપુર ઉપરાંત શાહીબાગ તથા શાહપુર વોર્ડમાં વર્ષો જુની પાણી તથા
ડ્રેનેજની લાઈન બદલવા રુપિયા ૧૬૦ કરોડના ટેન્ડર કરવામાં આવ્યા છે.જયારે ખાડીયા,દરિયાપુર તથા
અસારવા વોર્ડ માટે તંત્ર તરફથી બે વખત ટેન્ડર કરવામા આવ્યા પછી પણ કામગીરી કરવા
કોઈ કોન્ટ્રાકટર તૈયાર નહીં થતા હવે ઉત્તરાયણ પછી કમૂરતા ઉતર્યા પછી આ ત્રણ વોર્ડ
માટે તંત્ર ફરીથી ટેન્ડર કરશે એમ સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.શહેરના વિવિધ
વિસ્તારમાં પચાસ આઈકોનિક રોડ બનાવવા,
આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સનો વધુ ઉપયોગ થાય એ માટે ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રકચર ઉભુ
કરી માસ્ટર પ્લાન ફોર એએમસી ડેટા પોલીસી બનાવવા સહીતના આયોજનો હવે નાણાંકીય વર્ષ
પુરુ થવા આડે હવે માંડ બે મહીનાનો સમય છે તે પહેલા પુરા થઈ શકે એવી શકયતા નહીવત
છે.શહેરમાં પ્રવેશતા ભારે વાહનો માટે લોજીસ્ટીક પાર્ક તથા ટ્રાફિકની સમસ્યા હળવી
કરવા એસ.ટી.સ્ટેન્ડને ડીસેન્ટ્રલાઈઝ કરવાની દીશામાં સર્વે કરવા અંગે પણ હજુ સુધી મ્યુનિસિપલ
કોર્પોરેશન તંત્ર તરફથી કોઈ કાર્યવાહી થઈ નહીં હોવાનું આધારભૂતસૂત્રોમાંથી જાણવા
મળ્યુ છે.