અમદાવાદ,શુક્રવાર,27 ડિસેમ્બર,2024
અમદાવાદ જનમાર્ગ લીમીટેડની શુક્રવારે બેઠક મળી હતી. આ
બેઠકમાં બી.આર.ટી.એસ.તથા એ.એમ.ટી.એસ. માટે કુલ મળીને ૨૬૦ ઈલેકટ્રિક બસ લેવા મંજૂરી
માંગતી દરખાસ્ત અનિર્ણિત રાખવામા આવી હતી.જેબીએમ ઓટો પાસેથી તેમની ઈલેકટ્રિક બસમાં
આગ લાગે ત્યારે બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરોની સલામતી અને સુરક્ષા માટે કયા
પ્રકારની વ્યવસ્થા કરવામા આવશે એ અંગે રીપોર્ટ મંગાવવા સત્તાધીશોએ જનમાર્ગના
અધિકારીઓને સુચના આપી છે.
અમદાવાદના હવાના પ્રદૂષણમાં ઘટાડો કરવા ઈલેકટ્રિક વાહનના
વપરાશને પ્રોત્સાહન આપવાની નિતી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અપનાવવામા આવેલી
છે.અમદાવાદ જનમાર્ગ લી. દ્વારા જેબીએમ મોબીલીટી પ્રા.લી.ને ૨૬૦ ઈલેકટ્રીક બસનો ઓર્ડર આપવાની મંજૂરી માંગતી
દરખાસ્ત એજન્ડા ઉપર મુકવામાં આવી હતી.પ્રતિ કિલોમીટર રુપિયા ૭૧.૫૦ના ભાવથી કંપની
પાસેથી ઈલેકટ્રિક બસ ખરીદવા અંગે નિર્ણય લેવામાં આવ્યો નહતો. સ્ટેન્ડિંગ કમિટી
ચેરમેન દેવાંગ દાણીએ કહયુ,જે કંપની
પાસેથી ઈલેકટ્રિક બસ લેવા મંજૂરી માંગવામા આવી છે.એ કંપનીની ઈલેકટ્રિક બસમાં આગ
લાગવાના સંજોગોમાં સલામતી અંગે રિપોર્ટ મંગાવવામા આવ્યો છે. રીપોર્ટનો અભ્યાસ
કર્યા પછી જ ચોકકસ નિર્ણય કરવામાં આવશે.