અમદાવાદ,બુધવાર,13
નવેમ્બર,2024
અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસનની હાજરીમાં મળેલી બેઠકમાં મધ્યઝોનના ઈન્ચાર્જ ડેપ્યુટી
મ્યુનિસિપલ કમિશનર મધ્યઝોનમાં સફાઈની કામગીરી નબળી હોવાનું દર્શાવતા સોલિડ વેસ્ટ
વિભાગના અધિકારી સાથે બાખડી પડયા હતા.
મધ્યઝોનમાં સફાઈ યોગ્ય રીતે કરવામાં નહીં આવતી હોવાનુ સામે આવતા ઈન્ચાર્જ ડેપ્યુટી
મ્યુનિસિપલ કમિશનર રમ્યકુમારે ભટ્ટે મધ્યઝોનને ટારગેટ કરાતો હોવાનો કમિશનરની
હાજરીમાં આક્ષેપ કરતા મ્યુનિસિપલ કમિશનરે તેમને કહયુ, તમે જે કામગીરી
કરી નથી એનો આ રીવ્યુ કરવામાં આવી રહયો છે.
ભારત સરકાર દ્વારા આવનારા દિવસોમાં સ્વચ્છતા સર્વેક્ષણ-૨૦૨૪
અંતર્ગત અમદાવાદને લઈ સમીક્ષા કરવામાં આવનાર હોવાથી મ્યુનિસિપલ કમિશનરની
અધ્યક્ષતામાં મળેલી વીકલી રીવ્યૂ બેઠકમાં સોલીડ વેસ્ટ વિભાગના ઈન્ચાર્જ અધિકારી
દ્વારા શહેરના કયા ઝોનમાં સફાઈને લઈ હજુ
કેટલા સુધારા કરવાની જરુર છે એ બાબતનુ પ્રેઝન્ટેશન બતાવવામાં આવી રહયુ હતુ.પ્રેઝન્ટેશન
દરમિયાન મધ્યઝોનના મોટાભાગના વોર્ડ વિસ્તારમાં સફાઈની કામગીરીનુ સ્તર નબળુ હોવાનુ
બતાવાતા ઈન્ચાર્જ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે અકળાઈને કહયુ, તમે મધ્યઝોનમાં
જે કામગીરી કરી છે એ બતાવતા નથી.મધ્યઝોનને તમે ટારગેટ કરો છો. મ્યુનિ.તંત્રના બે
અધિકારીઓ વચ્ચે સફાઈને લઈ શરુ થયેલી
શાબ્દીક ટપાટપીની વચ્ચે મ્યુનિસિપલ કમિશનરે મધ્યઝોનના ઈન્ચાર્જ ડેપ્યુટી
મ્યુનિસિપલ કમિશનરને કહયુ,તમે જે
કામગીરી કરો છો એ ફરજના ભાગરુપે કરો છો.એ કોઈ નવાઈની બાબત નથી.પ્રેઝન્ટેશન જે
કામગીરી કરવામા આવી નથી એનો રીવ્યુ કરવા માટે કરવામા આવતુ હોય છે.એટલે મધ્યઝોનને
ટારગેટ કરાતો હોવા જેવા વાહીયાત આક્ષેપ કરવાના બંધ કરી દો.શહેરમાં સ્વચ્છતાની
કામગીરીના રીવ્યુ દરમિયાન જાહેરમાં ગંદકી કરનારા
લોકો વિરુધ્ધ કરવામા આવતી કાર્યવાહીની પેનલ્ટી ખુબ ઓછી થઈ હોવાના મુદ્દે
મ્યુનિસિપલ કમિશનર ફરી નારાજ થયા હતા.ડેપ્યુટી કમિશનર કક્ષાના અધિકારીને તેમણે
કહેવુ પડયુ હતુ કે, તમે બધા
મને બહાનાં ના બતાવો.જે કામગીરી થવી જોઈએ એ કામગીરી કરવા ઉપર ધ્યાન આપો.
કોન્ટ્રાકટરની ભાષામાં મારી સાથે વાત ના કરો,મ્યુનિ.કમિશનર
અમદાવાદના તમામ સાત ઝોનમાં રોડની પરિસ્થિતિને લઈને પણ
મ્યુનિસિપલ કમિશનર અધિકારીઓ ઉપર ધુઆપુઆ થયા હતા.દિવાળીના તહેવાર પછી ૬ નવેમ્બરથી
સમગ્ર શહેરમાં રોડની કામગીરી શરુ કરવા કમિશનરે સુચના આપી હતી.આમ છતાં રોડની
કામગીરી શરુ થઈ નથી.કેટલાક ઈજનેરોએ મજુરો હજુ વતનમાંથી આવ્યા નથી.ઉપરાંત કેટલીક
જગ્યાએ પ્લાન્ટ શરુ થયો નહીં હોવા જેવા જવાબ આપતા કમિશનરે અકળાઈને કહયુ,તમે કોન્ટ્રાકટરની ભાષામાં મારી સાથે વાત ના કરો.તમારે
કોન્ટ્રાકટરો પાસેથી કામ લેવાનુ હોય છે છતાં તમે હજી સુધી કામ શરુ કરાવી શકયા
નથી.આ બાબતમા હવે હુ પર્સનલ રાઉન્ડ લઈશ.જયાં કામગીરી કરવામા આવી નહીં હોય તો તાત્કાલિક સ્થળ ઉપર જ પગલાં ભરીશ.