Coldplay in Ahmedabad: બ્રિટિશ રોકબૅન્ડ ‘કોલ્ડપ્લે’એ વિશ્વભરના લોકોને ઘેલું લગાડ્યું છે. હવે અમદાવાદ પણ કોલ્ડપ્લેના રંગમાં રંગાઈ ગયું છે. 25-26 જાન્યુઆરી એમ બે દિવસ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે કોલ્ડપ્લેની કોન્સર્ટ યોજાઈ રહી છે. ક્રિસ માર્ટિનની ટીમ ગત 24 જાન્યુઆરીથી અમદાવાદની મહેમાન બની છે. આ કોન્સર્ટને માણવા માટે દેશ-વિદેશના ચાહકોએ અમદાવાદમાં ધામા નાખ્યાં છે. બે દિવસના કોન્સર્ટમાં પહેલા દિવસે(25 જાન્યુઆરી) 1 લાખથી વધુ પ્રેક્ષકો કોલ્ડપ્લેમાં ઉપસ્થિત રહ્યાં હતા અને ગ્રાઉન્ડમાં ઊભા રહેવાની પણ જગ્યા બચી નહોતી. ત્યારે આજના (26 જાન્યુઆરી) કોલ્ડપ્લે કોન્સર્ટની શરુઆત થઈ ચૂકી છે. જેમાં અંદાજિત 1 લાખથી વઘુ પ્રેક્ષકો ઉપસ્થિત છે.
દેશભક્તિના રંગે રંગાયું ‘કોલ્ડપ્લે’
કોલ્ડપ્લે કોન્સર્ટનો બીજો દિવસ એટલે કે 26મી જાન્યુઆરી. આ દિવસે પ્રજાસતાક દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે તેની ઉજવણી કોલ્ડપ્લેમાં પણ જોવા મળી હતી. કોલ્ડપ્લેમાં સિંગર જસ્લીન રોયલે નેશનલ એન્થમ ‘જન ગણ મન’ ગાયું હતું. આ દરમિયાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાજર એક લાખથી વધુ લોકો દેશભક્તિના રંગે રંગાયા હતા.