Uttarayan: ગુજરાતમાં પશુ-પક્ષીઓની સારવાર અને રક્ષા કરવા માટે 10મીથી 20મી જાન્યુઆરી સુધી કરૂણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં ઈજાગ્રસ્ત પશુ-પક્ષીનું રેસ્ક્યુ કરીને સારવાર કરાશે. આ સાથે સરકારે સવારે અને સાંજે પક્ષીઓ ખોરાક માટે વિચરતા હોવાથી ઉત્તરાયણના તહેવાર દરમિયાન પતંગ ન ચગાવવા અપીલ કરી છે.
8000થી વધુ સેવાભાવી સ્વયંસેવકો તહેનાત કરાશે
ઉત્તરાયણ પર્વ નિમિત્તે કરૂણા અભિયાન હેઠળ છેલ્લા 8 વર્ષમાં 97,000 પશુ-પક્ષીઓનું રેસ્ક્યુ કરી તેમની સારવાર કરવામાં આવી છે. જે પૈકી સૌથી વધુ 17600 અમદાવાદમાં રેસ્ક્યુ કરાયા હતા. કરૂણા અભિયાનમાં આ વખતે 600થી વધુ વેટરનિટી તબીબો અને 8000થી વધુ સેવાભાવી સ્વયંસેવકો તહેનાત રહેશે. આ સાથે પશુપાલન, વન વિભાગ અને સંસ્થાઓ મળીને કુલ 1000થી વધુ સારવાર કેન્દ્રો શરૂ કરાશે.
હેલ્પલાઈન નંબર જાહેર કરાયો
અભિયાનમાં 865 પશુ દવાખાના, 34 વેટરનરી પોલિક્લિનિક, 27 શાખા પશુ દવાખાના ઉપરાંત 587 ફરતા પશુ દવાખાના અને 37 કરૂણા એમ્બ્યુલન્સ કાર્યરત રહેશે. રાજ્યના કોઈ પણ સ્થળે ઘાયલ પક્ષીઓને ઝડપી અને યોગ્ય સારવાર આપવા માટે વન વિભાગ દ્વારા વોટ્સઅપ નંબર 83200-02000 અને 1926 હેલ્પલાઈન નંબર જાહેર કરાયો છે.
પક્ષીઓ દોરીના ભોગ બનીને ઈજાગ્રસ્ત થાય છે
ઉત્તરાયણના તહેવારમાં ચાઈનીજદોરીના ભોગ માણસો કરતા સૌથી વધુ પક્ષીઓ બનતા હોય છે. તેમજ કેટલાય પક્ષીઓ મોતને પણ ભેટતા હોય છે. છતાંય શહેરના અનેક વિસ્તારોમાં ચાઈનીઝ દોરી બેરોકટોક રીતે વેચાઈ રહી છે. અને ઉત્તરાયણના તહેવારના પંદર દિવસ પહેલાથી પક્ષીઓ દોરીના ભોગ બનીને ઈજાગ્રસ્ત થાય છે. શહેરના જીવદયાના કાર્યકરો પાસે વિદેશીપક્ષીઓ પણ ઘવાયેલા આવી રહ્યા છે તેમને સારવાર આપીને બચાવી દેવામાં આવે છે. નોંધપાત્ર બાબત એ છે કે અમદાવાદની આસપાસમાં જે ફાર્મ હાઉસો આવેલાં છે ત્યાં પતંગ ચગાવાય છે એનો ભોગ માઈગ્રેટરી પક્ષી બને છે અને તેની સંખ્યા ઘણી હોય છે.