Khyati Hospital Scandal : ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે સોલા સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ખ્યાતિ હોસ્પિટલના ડૉ.પ્રશાંત વજીરાણી, હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. કાર્તિક પટેલ, ડૉ. સંજય પટોલિયા, હોસ્પિટલના CEO ચિરાગ રાજપૂત અને રાજશ્રી કોઠારી વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. આ મામલે વસ્ત્રાપુર પોલીસે ડૉ. પ્રશાંતની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરાયો હતો. પોલીસે 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી, જેમાં કોર્ટે આરોપીના સાત દિવસના રિમાંડ મંજૂર કર્યાં છે.
સોલા સિવિલના સર્જને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો
સોલા સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન ડૉ. પ્રકાશ મહેતાએ ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે વસ્ત્રાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે, રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આ મામલે તપાસ કરવા માટે ડૉ. પ્રકાશ મહેતા ઉપરાંત, અન્ય તબીબોની એક ટીમ તૈયાર કરવામાં આવી હતી. મંગળવારે આ ટીમના સભ્યોએ ખ્યાતિ હોસ્પિટલમાં દાખલ દર્દીઓની ચકાસણી કરવાની સાથે રિપોર્ટ તપાસ્યા હતા. જેમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા હતા કે, 19 દદીઓ પૈકી કોઈ દર્દીને એન્જિયોપ્લાસ્ટી અને એન્જિયોગ્રાફીની જરૂર ન હોવા છતાંય, પીએમજેએવાય દ્વારા ખોટી રીતે આર્થિક લાભ લેવા માટે તમામની સારવાર કરવામાં આવી હતી. જેમાં મૃત્યું પામેલા દર્દી મહેશ બારોટનો રિપોર્ટ તપાસતા જાણવા મળ્યું હતું કે, એન્જિયોપ્લાસ્ટી કરવાનું કોઈ કારણ નહોતું અને ઓપરેશન દરમિયાન કોઈ કાળજી લેવામાં આવી નહોતી. જ્યારે મૃત્યુ પામેલા અન્ય દર્દી નાગરભાઇ સેનમાના રિપોર્ટમાં સીપીઆરની સારવારના ડેટામાં છેડછાડ કરવામાં આવી હતી અને ઓપરેશન સમયે કાર્ડિયોલોજીસ્ટની હાજરી અંગેની નોંધ પણ કરવામાં આવી નહોતી. આમ, બંને કેસમાં યોજના દ્વારા ખોટી રીતે આર્થિક લાભ લેવાનો બદઇરાદો સ્પષ્ટ થતો હતો.
આ પણ વાંચો : ખ્યાતિકાંડના પીડિતો-બોરીસણાના લોકોનો ન્યાયની માગ સાથે હલ્લાબોલ, હાઈવે પર કર્યો ચક્કાજામ
ખ્યાતિકાંડ મામલે મહેસાણામાં વિરોધ પ્રદર્શન
ખ્યાતિકાંડ મામલે ગ્રામજનો દ્વારા મહેસાણા બોરીસણામાં ચક્કાજામ કરાયો છે. જેમાં રાચરડા કડી હાઈવે પર મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થઈને વાહનો અટકાવ્યા હતા. ખ્યાતિકાંડને લઈને બોરીસણામાં મોટા પાયે દેખાયો કરવામાં આવી રહ્યો છે. મેડિકલ માફિયાઓ સામે બોરીસણાના ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, ત્યારે લોકો ચિમકી ઉચ્ચારી છે કે, જ્યાં સુધી ફરિયાદ લેવામાં નહીં આવે ત્યાં સુધી ચક્કાજામ રહેશે. આ સાથે ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો સામે વધુ ફરિયાદ નોંધાવા માટે ગ્રામજનોએ માગ કરી છે. જેમાં મોટી સંખ્યામાં લોકો રોડ ઉપર ઉમટી પડયા છે અને રોડ ઉપર બેસી રસ્તો બંધ કરતા અઢી કિ.મી સુધીના ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા.
શું હતી સમગ્ર ઘટના?
કડીમાં બોરીસણા ગામે ફ્રી કેમ્પ હોસ્પિટલ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાંથી 19 દર્દીને ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર માટે બોલાવાયા હતા. અહીં તમામ દર્દીઓની તેમને પૂછ્યા વિના જ એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂકી દેવાયા હતા. સ્ટેન્ટ મૂક્યા બાદ 70 વર્ષના સેનમ નાગરભાઈ મોતીભાઈ અને 50 વર્ષના બારોટ મહેશભાઈ ગિરધરભાઈ નામના દર્દીનું મોત નિપજ્યા છે.