Khyati Hospital Scandal : અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓની જાણ બહાર એન્જીયોપ્લાસ્ટી કરવાથી બે દર્દીના મોત નીપજ્યાં હતા. જેમાં PMJAY યોજનામાં કૌભાંડ આચરવામાં આવ્યું હતું. જેને લઈને પોલીસે ડોકટર સહિતના આરોપીની ધરપકડ કરી હતી. ખ્યાતિકાંડ બાદ સરકાર દ્વારા PMJAY-મા યોજના માટે નવી ગાઇડલાઈન જાહેર કરવામાં આવી હતી. સમગ્ર ઘટનામાં અત્યારસુધી એક જ ફરિયાદ નોંધવામાં આવી હોવાથી પીડિતોના પરિવારો અલગ-અલગ ફરિયાદ નોંધવાની માગ સાથે હાઈકોર્ટ પહોચ્યા છે અને ગુજરાત હાઈકોર્ટમાં કુલ 15 જેટલી અરજીઓ દાખલ કરવામાં આવી છે.
અલગ-અલગ ફરિયાદ નોંધવા હાઈકોર્ટમાં કરી અરજી
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં PMJAY-મા યોજનામાં આર્થિક લાભ લેવા માટે દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવ્યા હતા. જેમાં બે દર્દીઓના મોત થયા હતા. ખ્યાતિ હોસ્પિટલના કૌંભાડમાં ભોગ બનેલા દર્દીઓના પરિવારજનો મળીને કુલ 15 અરજીઓ ગુજરાત હાઈકોર્ટમાં કરી છે. ખ્યાતિકાંડમાં અત્યારસુધીમાં માત્ર એક જ ફરિયાદ નોંધાઈ છે, તો વ્યક્તિગત ફરિયાદ નોંધવામાં આવે તેવી માગ કરી હતી.
આ પણ વાંચો: 31stની રાત્રે રાજ્યના અનેક જિલ્લામાંથી ઝડપાયા નશાખોરો, લાખો રૂપિયાનો દંડ પણ વસૂલાયો
અરજદારના વકીલે શું કહ્યું?
અરજદારના વકીલ સિદ્ધાર્થ દેસાઈએ જણાવ્યું હતું કે, ‘ભોગ બનેલા 15 દર્દીની એન્જીયોગ્રાફી, એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. જ્યારે એક જ ફરિયાદ થઈ હતી. એટલે હવે દરેક દર્દીઓની અલગથી ફરિયાદ નોંધવામાં આવે, જેથી તેઓ આગામી સમયમાં પોતાનો પક્ષ રજૂ કરી શકે. આ ઉપરાંત, ઘણાં દર્દીઓને હાલ મેડિકલની ખુબ જ તકલીફ છે અને સરકાર તરફથી તેમને હજુ સુધી કોઈ સહાય કરાઈ નથી. નામદાર હાઈકોર્ટમાં સત્તા હોવાથી અલગ-અલગ નોંધાવવા માટે અરજી કરાઈ છે.’