AAP vs BJP: કચ્છના ગાંધીધામમાંથી ઝડપાયેલ નકલી ઈડી ઓફિસર સાથે આપનું કનેક્શન હોવાનો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગંભીર આરોપો લગાવ્યો હતો. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પોસ્ટ કરીને લખ્યું હતું કે, ‘અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીનું વધુ એક કારનામું સામે આવ્યું છે. ગુજરાતમાં પાર્ટીના એક નેતાએ નકલી ED ટીમ બનાવી અને તેનો કેપ્ટન બની લોકોને લૂંટ્યા!’ તેમણે તસવીરો પોસ્ટ કરીને નકલી ઈડી ઓફિસર અબ્દુલ સત્તારનું આપ કનેક્શન હોવાનો આરોપ લગાવ્યો છે. હવે આ મામલે આપ નેતા ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલિયાએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપ પર વળતો પ્રહાર કર્યો છે.
આપ નેતા ઈસુદાન ગઢવીએ આપ્યો જવાબ
આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રમુખ ઇસુદાન ગઢવીએ પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને જવાબ આપતા જણાવ્યું હતું કે,’જે વ્યક્તિની ધરપકડ થઈ છે તેની ભાજપના સાંસદ, ભાજપના સંગઠનના નેતા સહિત IPS અધિકારી સહિત અનેક પોલીસ અધિકારીઓ સાથે પણ તસવીરો છે. દુષ્કર્મીઓ, નકલી ટોલનાકા ચલાવનારા અને પોન્ઝી સ્કેમ ચલાવનારા લોકો ભાજપ સાથે જોડાયેલા હોય છે. ગૃહમંત્રીએ તેનો ખુલાસો કરવો જોઇએ. ગૃહમંત્રી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને આપને બદનામ કરીને ભાગી શકે નહીં.’
આ પણ વાંચો: ખ્યાતિ હોસ્પિટલ મોતકાંડ: ફરાર આરોપી રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી કરાઈ ધરપકડ
ગોપાલ ઈટાલિયાએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ચેલેન્જ આપી
આપ નેતા ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે, ‘ગૃહમંત્રી ઠોઠ છે, આઠ પાસ છે પણ જનતા ભણેલી છે. ભાજપની ટોળકીએ ગુજરાતની જનતાની આંખમાં ધૂળ નાખવાનું કામ ચાલુ કર્યુ છે. કચ્છમાં કોઇ નકલી EDનો માણસ પકડાયો અને એ માણસ પહેલા આપમાં હતો અને હવે તેને કબુલાત કરી કે જે પૈસા મળ્યા તે ભાજપ, સમાજવાદી પાર્ટી અને આપે ત્રણેયને આપ્યા છે. 10 દિવસ પહેલા નકલી EDની ટીમ પર FIR થઈ, 10 દિવસ પહેલા પોલીસે તપાસ ચાલુ કરી. આ તમામ ઘટના 10 દિવસ પહેલા બની.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ચેલેન્જ આપતા ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે, ‘આ 10 દિવસ પછી ગૃહમંત્રીને આવી ખબર પડી કે આ માણસે સમાજવાદી પાર્ટી, ભાજપ અને AAPને પૈસા આપ્યા છે. તમે અભણ છો, દુનિયા થોડી અભણ છે. તમારામાં હિમ્મત હોય, તમારી વાત ચાસી હોય તો આવી જાઓ ડિબેટમાં.
નકલી ઈડીનો માસ્ટર માઇન્ડ અબ્દુલ સત્તાર
ઉલ્લેખનીય છે કે, કચ્છના ગાંધીધામમાંથી ઝડપાયેલો નકલી ઈડીનો માસ્ટર માઇન્ડ અબ્દુલ સત્તાર મુદ્દે પૂર્વ કચ્છના એસપી સાગર બાગમારે માહિતી આપતા જણાવ્યું કે, અબ્દુલ સત્તાર 11 દિવસના રિમાન્ડ પર છે. અબ્દુલ સત્તાર પૈસા આપને આપતો હતો. જે પૈસા આવતા હતા તે પાર્ટીના કામમાં વપરાતા હતા. અબ્દુલ સત્તાર આપ પાર્ટીનો કાર્યકર છે. અબ્દુલ સત્તારે રિમાન્ડ દરમિયાન આ બધી કબૂલાત કરી છે.’