અમદાવાદ,શનિવાર
કુબેરનગરમાં આવેલી માતૃછાયા સોસાયટીમાં ૧૫ વર્ષની સગીરાએ કાર ચલાવીને તેમની જ સોસાયટીમાં રહેતા ૪૧ વર્ષીય વકીલને અડફેટે લેતા તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી કરી છે. ત્યારે સોસાયટીના સ્થાનિક લોકોએ આક્ષેપ ર્કર્યો હતો કે ૧૫ વર્ષની સગીરાએ અગાઉ પણ નાનો અકસ્માત કર્યો હતો અને તેનો ભાઇ પણ ઘણીવાર સ્કૂટર ચલાવતો હોવાથી તેના પરિવારને જાણ કરી હતી. પરંતુ, તેમણે સંતાનોને રોકવાને બદલે સોસાયટીના રહેવાસીઓ સાથે ગેરવર્તન કર્યું હતું.
કુબેરનગર સ્થિત માતૃછાયા સોસાયટીમાં રહેતા નાનકરામ નૈનાણી અને તેમનો દીકરો કમલેશ ( ઉ.વ,.૪૧) સોસાયટીના રોડ પાસે ઉભા હતા ત્યારે સોસાયટીમાં રહેતી એક સગીરાએ કારને પુરઝડપે લાવીને ટક્કર મારતા કમલેશને ગંભીર ઇજાઓ પહોંચતા મોત નીપજ્યું હતુ.
આ બનાવ બાદ સોસાયટીમાં રહેતા કેટલાંક સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે અકસ્માત કરનાર સગીરા અનેક વાર કારને ચલાવતી હતી અને તેનાથી અગાઉ એકવાર નાનો અકસ્માત થયો હતો. તેમજ તેનો સગીર ભાઇ પણ કેટલીક વાર સોસાયટીમાં સ્કૂટર ચલાવતો હતો. આમ, બંને સગીર હોવાથી નિયમ વિરૂદ્ધ હોવાથી તેમને વાહન ચલાવવા ન આપવા માટે સ્થાનિક લોકોએ તેમના પરિવારને કહ્યું હતું .પરંતુ, તેમણે બાળકોને રોકવાને બદલે સ્થાનિક લોકો સાથે ગેરવર્તન કર્યું હતું. આમ આ અકસ્માતની ઘટના પાછળ પરિવારજનોની બેદરકારી પણ જવાબદાર છે. ત્યારે આ અંગે જી ડીવીઝન ટ્રાફિક પોલીસને જાણ કરવામાં આવશે.