Ahmedabad Terrace Tourism: ઉત્તરાયણમાં દર વર્ષે પતંગોમાં, વાનગીઓમાં અને સ્પીકરો પર વાગતા ગીતોમાં કંઈકને કંઈક ફેરફાર જોવા મળતો હોય છે. પરંતુ આ વર્ષે આખા વિશ્વના પ્રવાસીઓનું ધ્યાન અમદાવાદની પોળોમાં ઉત્તરાયણનો આનંદ લેવા માટે એકત્રિત થયું છે. ટેરેસ ટુરિઝમમાં આ વર્ષે જાણીતી ટૂર ઓપરેટર કંપનીઓએ પણ વૈશ્વિક લેવલે અમદાવાદની પોળની અગાસીની એક દિવસની સ્પેસ સેલ કરીને નવો કોન્સેપ્ટ તૈયાર કર્યો છે.
આ વર્ષે કેટલું છે ટેરેસનું ભાડું?
આ અંગે ખાડિયાના જગદીપ મહેતા જણાવે છે કે, પોળમાં ઘણાં લોકો સામાન્ય સ્થિતિમાં જીવે છે તેમના માટે આ પ્રકારનો એક સુંદર કોન્સેપ્ટ આર્થિક તક છે. ઉત્તરાયણ આવતાં પહેલાં એક મહિનાથી બહારથી આવતાં કોર્પોરેટ હોટલો અને ટૂર ઓપરેટરો સારી સારી અગાસીઓ અગાઉથી જોઈને રાખે છે. તેમને પસંદ પડતી અગાસીને રેન્ટ પર લઈને પ્રવાસીઓને આમંત્રિત કરે છે. જેમાં પતંગ-દોરી, ચા, નાસ્તો, ભોજન તમામ સુવિધાઓનો સમાવેશ કરવામાં આવે છે. લગભગ ત્રણ હજારથી લઈને પાંચ હજાર સુધીના પેકેજ સામાન્ય છે.
આ પણ વાંચોઃ પવન સારો રહેતા પતંગબાજો વચ્ચે આકાશી યુદ્ધ જામ્યું, ઈજાગ્રસ્ત પક્ષીઓ માટે હેલ્પલાઈન જાહેર
અમદાવાદના આ વિસ્તારોના ટેરેસ છે ડિમાન્ડમાં
જૂના અમદાવાદના ખાડિયા, રાયપુર, કાલુપુર અને સારંગપુર આ ચાર વિસ્તાર ટેરેસ ટુરિઝમમાં ડિમાન્ડ છે. ગત વર્ષે ઓનલાઈન જાહેરાતો સાથે એક સારો પ્રયોગ રહ્યા પછી આ વર્ષે ટેરેસ ટુરિઝમનો સારો એવો આવકાર જોવા મળી રહ્યો છે. જો કે, અમારી પોળમાં મોટા ભાગના લોકો પોતાના પરિવાર સાથે ઉત્તરાયણ માણતા હોવાથી તેમણે ટેરેસ ભાડે આપી નથી. અમને ઘણાં દલાલોએ ઓફર કરી પરંતુ અમે એટલા માટે ટેરેસ નથી આપતાં કારણ કે અમારે પણ ઉત્તરાયણ ઉજવવાની હોવાથી પરિવાર આનંદથી વંચિત રહી જાય છે.
અઢીસો જેટલાં પરિવારોએ ટેરેસ ભાડે આપ્યા
અમદાવાદના એક આવી ઇવેન્ટના આયોજક કહે છે કે, આ વર્ષે આશરે અઢીસો ટેરેસ એવી હશે કે જેમાં લોકોએ પોળના વિવિધ રહીશો પાસેથી સીધી ટેરેસ ભાડે લીધી છે. અમે પ્રવાસીઓને તેમની સાથે જોડવાનું એક કામ કર્યું છે જેમાં અમારો કોઈ કોમર્શિયલ એંગલ નથી. માત્ર એક પરંપરા સાથે લોકો જોડાય એ વાત જરૂરી છે. છેલ્લા બે વર્ષથી ટેરેસ ટુરિઝમને એક સારો પ્રતિસાદ મળી રહ્યો છે. પહેલાં આ રીતે લોકો બહારથી ઉત્તરાયણ માણવા આવતા હતાં પરંતુ તેને એક પ્રોપર રીતે આપવાની સિસ્ટમ હોવી જોઈએ જે અમે સેટ કરી છે. જેના કારણે આજે શહેરમાં અઢીસો જેટલાં પરિવારોને તેમની ટેરેસના કારણે ટેરેસ ટુરિઝમ થકી એક દિવસમાં સારી આવક થશે.
અનેક પરિવારનો આવકનો સ્ત્રોત બન્યો ટેરેસ ટુરિઝમ
ટેરેસના ભાડાની સાથે સાથે તેના માલિકને ભોજન ઉપરાંત અન્ય સુવિધાઓની પણ આવક થાય છે. આ કોન્સેપ્ટ અમદાવાદમાં એટલા માટે યુનિક છે કારણ કે, અમદાવાદ પાસે આ સ્તરની અદભૂત ઉત્તરાયણ સાથે નજીક નજીક આવેલા ઘરોમાં પતંગ ચગાવવાનો સુંદર માહોલ જોઈ શકાય છે. જો આ કોન્સેપ્ટ વધુ વિક્સશે તો આગામી ઉત્તરાયણમાં આ આંકડો 500 ટેરેસ સુધી પહોંચી શકે છે. જો કે બધાં આ રીતે એક દિવસ માટે ટેરેસ ભાડે નથી આપતાં. પરંતુ આ કોન્સેપ્ટને કારણે અનેક સામાન્ય પરિવારોમાં એક આવકનો સ્ત્રોત ઊભો થયો છે.