અમદાવાદ,સોમવાર
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઢોર ત્રાસ અંકુશ નિવારણીની ટીમ વટવાથી જાહેર રસ્તામાં રખડતી ગાયને પકડીને ટ્રેકટર લઇને દાણીલીમડા ઢોર ડબ્બે જતા હતા તે સમયે ચાર જેટલા શખ્સો બાઈક લઈને પાછળ આવ્યા અને વટવા વિસ્તારમાં ગુજરાત ઓફસેટ પાસે પાસે કોપોરેશનના વાહનને અટકાવીને હાજર પોલીસ કર્મીઓ સાથે તકરાર કરીને ગાયને છોડાવીને લઇ ગયા હતા. આ બનાવ અંગે વટવા પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પકડેલી ગાય લઇને દાણીલીમડા ઢોર ડબ્બે જતા હતા વટવામાં ઢોર પકડવા ગયેલી ટીમ સાથે તકરાર કરી બુમાબુમ કરીને હંગામો મચાવતાં વટવા પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધ્યો
ઢોર ત્રાસ અંકુશ નિવારણ શાખામાં ફરજ બજાવતા યુવકે વટવા પોલીસ સ્ટેશનમાં વિનોબાભાવે નગર ખાતે ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે તેઓ કોર્પોરેશનના કર્મચારીઓ અને પોલીસ ટીમ સાથે તા.૮ના રોજ રખડતા ઢોર માટે પેટ્રોલિંગ કરતા વિનોબાભાવે નગર પાસે જાહેર રોડ ઉપર ફરતી ગાયને ટ્રેકટરમાં લઇ જતા હતા. આ જોઇને ગાયના માલીક સહિત ચાર લોકો બાઈકો લઈને કોર્પોરેશનના કર્મીઓની પાછળ ગાયને છોડાવવા આવ્યા હતા.
જો કે ઢોર પાર્ટીની ટીમ ઉભી નહી રહેતા આરોપીઓએ વટવા ગુજરાત ઓફસેટ ચાર રસ્તા પાસે ટ્રેક્ટર આગળ બાઈકો લાવીને ઉભા કરી દીધા અને કોર્પોરેશનના કર્મીઓેએ વિડિયો ઉતારતાં સાથે તકરાર કરીને બળજબરી કરીને ટ્રેક્ટરમાં બાંધેલી ગાયને છોડાવીને લઈને ભાગી ગયા હતા. આ ઘટના અંગે વટવા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.