Manmohan Singh’s Gujarat connection : પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ પંજાબી હતા પણ ગુજરાત સાથે તેમનો ગાઢ નાતો હતો. ડો. મનમોહન સિંહનાં ત્રણ દીકરીમાંથી વચ્ચેનાં દીકરી દામન સિંહ ગુજરાતના આણંદમાં ભણ્યાં હતાં, જ્યારે તેમના જમાઈ અશોક પટનાઈક ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી છે. અશોક પટનાઈક ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, સાબરકાંઠામાં ફરજ બજાવી ચૂક્યા છે. દામનસિંહ અને પટનાઈક વચ્ચે પરિચય ગુજરાતમાં જ થયો હતો અને બંને 1991માં પરણ્યાં ત્યારે પટનાઈક આઈબીમાં જતા રહ્યા હોવાથી દામનસિંહ અને પટનાઈક ગુજરાતમાં ના રહ્યાં પણ તેમનો ગુજરાત સાથેનો નાતો ચોક્કસ છે.
અશોક પટનાઇક 1983માં ગુજરાત કેડરમાં જોડાયા હતા
અશોક પટનાઈક મૂળ ઓડિશાના છે પણ દિલ્હીમાં ભણ્યા છે. 1980માં દિલ્હી સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાંથી માસ્ટર્સ ડીગ્રી મેળવનારા પટનાઈકે યુપીએસસીની સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરીને 1983માં ઈન્ડિયન પોલીસ સર્વિસ (આઈપીએસ)માં જોડાયા. પટનાઈકને ગુજરાત કેડર ફાળવાઈ હતી.
આ પણ વાંચો: ‘મારા પિતા માટે શોક સભા પણ ન રાખી…’, કોંગ્રેસના ટોચના નેતૃત્વ પર ભડકી પ્રણવ મુખરજીની દીકરી
ગુજરાતમાં પટનાઈકનું પહેલું પોસ્ટિંગ 1985માં જૂનાગઢમાં હતું. જૂનાગઢમાં પ્રોબેશનર આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ તરીકે એક વરસ સુધી કામ કર્યા પછી પટનાઈકને રાજકોટ રૂરલ અને ભાવનગર મૂકાયા હતા. પટનાઈકને 1987માં સાબરકાંઠાના એસપી તરીકેનો સંપૂર્ણ ચાર્જ સોંપવામાં આવ્યો હતો.
સાબરકાંઠા જિલ્લાના પોલીસ વડા તરીકે એક વર્ષ સુધી કામ કર્યા પછી પટનાઈકને અમદાવાદ શહેરમાં સીઆઈડી અને ઈન્ટેલિજન્સમાં ટ્રાન્સફર આપવામાં આવી હતી. સીઆઈડી અને ઈન્ટેલિજન્સમાં એસપી તરીકે છ મહિના જેટલો સમય કામ કર્યા પછી પટનાઈક સામેથી ઈન્ટેલિજન્સ બ્યુરો (આઈબી)માં જતા રહ્યા હતા. પટનાઈકે એ પછી આઈબીમાં જ કામ કર્યું અને એડિશનલ ડિરેક્ટરના હોદ્દા સુધી પહોંચ્યા હતા.
પટનાઈકને ભારતમાં કાઉન્ટર ટેરરિઝમ એટલે કે આતંકવાદ સામેની લડતમાં ગુપ્તચરોનું મજબૂત નેટવર્ક ઉભું કરવાનો યશ અપાય છે. 2000ના દાયકામાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ ચરમસીમા પર હતો ત્યારે પટનાઈકે પોતાના ગુપ્તચર નેટવર્કની મદદથી ઘણા મોટા આતંકવાદી હુમલાને નિષ્ફળ બનાવ્યા હતા. 2008માં થયેલા મુંબઈ હુમલા સહિતના આતંકવાદી હુમલાના કેસોને ઉકેલવામાં પટનાઈકે મહત્વની ભૂમિકા ભજવી હતી.
આ પણ વાંચો: મનમોહન સિંહ બોલે છે ત્યારે સમગ્ર દુનિયા સાંભળે છે : બરાક ઓબામા
આઈબીમાં પટનાઈકના વિશાળ અનુભવ અને સ્કીલને કારણે જ નરેન્દ્ર મોદી સરકારે 2016માં નેશનલ ઈન્ટેલિજન્સ ગ્રીડ (નેટગ્રીડ) બનાવી ત્યારે તેના પહેલા સીઈઓ તરીકે પટનાઈકને નિમ્યા હતા. પટનાઈક નિવૃત્તિ પછી દિલ્હીમાં જ પત્ની દામન સિંહ અને પુત્ર રોહન સાથે રહે છે. દામન સિંહે દિલ્હીની સેંટ સ્ટીફન કોલેજમાંથી ગ્રેજ્યુએટ થયા પછી આણંદમાં ઈન્સ્ટિટ્યુટ ઓફ રૂરલ મેનેજમેન્ટ (ઈરમા)માં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. દામનસિંહે ઉત્તર-પૂર્વના ગ્રામીણ વિસ્તારોમાં કામ કર્યું અને પછી લેખિકા તરીકેની કારકિર્દી બનાવી. દામન સિંહે ધ લાસ્ટ ફ્રન્ટિયરઃ પીપલ એન્ડ ફોરેસ્ટ્સ ઈન મિઝોરમ તથા નાઈન બાય નાઈન નોવેલ સહિતનાં પુસ્તકો લખ્યાં છે.