Drugs Supply in Ahmedabad : રાજ્યનું યુવાધન ડ્રગ્સના રવાડે ચડી ગયું છે. દર બીજા દિવસે રાજ્યમાંથી લાખો- કરોડોનું ડ્રગ્સ ઝડપાય છે. ડ્રગ્સ પેડલરો માટે ગુજરાતનો દરિયો આર્શિવાદ બન્યો છે, ત્યારે બુધવારે અમદાવાદના નારણપુરામાંથી 25 લાખનું એમડી ડ્રગ્સ ઝડપાયા બાદ હવે શહેરના દાણીલીમડા વિસ્તારમાંથી એમ.ડી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે. ડ્રગ્સની સાથે સાથે બે બંદૂક, 40 રાઉન્ડ કાર્ટિસ અને 18 લાખ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરી છે. ઝડપાયેલા ડ્રગ્સની બજાર કિંમત અંદાજે એક કરોડ હોવાનો અંદાજ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રેડ પાડી જીસાન ઉર્ફે દત્તા પાવલે નામના આરોપીને દબોચી લીધો હતો. ક્રાઇમ બ્રાન્ચે જીસાન ઉર્ફે દત્તા પાવલે પાસેથી અંદાજે 1.23 કિલો એમ.ડી ડ્રગ્સ, બે બંદૂક, 40 રાઉન્ડ કાર્ટિસ અને 18 લાખ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરી હતી. આરોપી સામે આ પહેલાં પણ આઠ જેટલા ગુના દાખલ થઇ ચૂક્યા છે.
આ પણ વાંચો: અમદાવાદના નારણપુરામાંથી ઝડપાયો 25 લાખથી વધુનો એમડી ડ્રગ્સનો જથ્થો, 5 લોકોની ધરપકડ
પોલીસે તપાસનો દૌર શરૂ કરી દીધો છે. પોલીસ પૂછપરછ કરી રહી છે કે ડ્રગ્સ કેવી રીતે શહેરમાં પહોંચ્યું, તેણે કોની પાસેથી ડ્રગ્સ ખરીદ્યુ અને કોને આપવાનું છે તે દિશામાં તપાસ કરી રહી છે.
અમદાવાદના નારણપુરામાંથી ઝડપાયો 25 લાખથી વધુનો એમડી ડ્રગ્સનો જથ્થો
બુધવારે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાંથી જીજ્ઞેશ પંડ્યા નામના વ્યક્તિના ઘરમાં એસઓજીની ટીમે દરોડા પાડી 256.860 ગ્રામ ડ્રગ્સ જપ્ત કર્યું હતું. જેની અંદાજિત કિંમત 25 લાખથી વધુ આંકવામાં આવી છે. આ રેડ દરમિયાન 5 લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે 7 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.