અમદાવાદ,શુક્રવાર
ધી મહેસાણા અર્બન કો. ઓપરેટીવ બેંકની ગાંધીધામ બ્રાંચમા ૧૨ જેટલા બિલ્ડરોએ ખોટા રિપોર્ટ અને બાંધકામના રિપોર્ટના આધારે લોન લઇને રૂપિયા ૬૪ કરોડની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ સીઆઇડી ક્રાઇમ ગાંધીનગર ખાતે નોેંધવામાં આવી છે. ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે કે આરોપીઓએ બાંધકામ માટે મંજુૂર થયેલા નાણાં ધંધાકીય કામમાં લેવાને બદલે અંગત વપરાશમાં લઇને લોનની ચુકવણી કરી નહોતી. આ સમગ્ર મામલે સીઆઇડી ક્રાઇમે તપાસ શરૂ કરી છે. જેમાં બાંધકામ કૌભાંડના બહાર આવવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.
ધી મહેસાણા અર્બન કો. ઓપરેટીવની મહેસાણામાં આવેલી હેડ ઓફિસમાં લીગલ ઓફિસર તરીકે ફરજ બજાવતા અનિલભાઇ પટેલે સીઆઇડી ક્રાઇમ ગાંધીનગર ખાતે નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે તેમની બેંકની ગાંધીધામ બ્રાંચમાં ઓમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બાગે શ્રી ઇન્ફોટેકના પ્રોપાઇટર અને ભાગીદાર બીજલ મહેતા, અમન બીજલ મહેતા (ગોદાવરી ફ્લેટ,વાસણા) અને વૃંદાવન ટાઉનશીપના મનોજ ચૌધરીએ વર્ષ ૨૦૧૬થી વર્ષ ૨૦૨૦ દરમિયાન અલગ અલગ બિલ્ડીંગ પ્રોજેક્ટ માટે બિલ્ડીંગ પ્રોજેક્ટ માટે લોન લીધી હતી. બેંક દ્વારા કરવામાં આવેલા ઓડિટ રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે તેમણે અધુરા કે નહીવત બાંધકામ કરીને લોનની રકમનો ઉપયોગ અંગત વપરાશ માટે કરીને કુલ ૪૪.૪૫ કરોડની લોન બેંકને પરત કરી નહોતી.આરોપીઓએ અંજાર, ગળપાદર ગામ, અંજારના વર્ષામેડી ગામમાં જમીન પર સ્કીમ તૈયાર કરવા માટે બિઝનેસ લોન બેંકમાંથી લીધી હતી.જેમાં ખોટા વેલ્યુએશન રિપોર્ટ અને બાંધકામની વિગતો બેેંકમાં સબમીટ કરી હતી. આ ઉપરાંત, ૨૦૨૪ના ઓડીટ રિપોર્ટમાં માહિતી મળી હતી કે નદીની રોડલાઇન્સના માલિક શામજી મ્યાત્રા, રમેશ અગ્રવાલ, પ્રેમજી પાતરિયા, ઉમેશ પટેલ,લક્ષ્મણ મહેશ્વરી, યાકુબ રાયમા , જયદીપ પટેલ,ભગવતી બાયો એનર્જી શુભમ અગ્રવાલ, જય ટ્રેડીંગ કંપનીના નરેન્દ્ર પટેલ અને સત્યેન્દ્ર મીશ્રાએ અલગ અલગ કારણ આપીને બિઝનેસ લોન લઇને ૧૯.૪૫ કરોડ રૂપિયાની લોન પરત નહોતી.
બેેંકના લીગલ વિભાગ દ્વારા ફોરેન્સીક ઓડિટ કરવામાં આવતા સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું. સીઆઇડી ક્રાઇમના સુત્રોના જણાવ્યા મુજબ આ કૌભાંડમાં બેંકની ગાંધીધામ શાખાના અધિકારીઓની સંડોવણી સામે આવી શકે તેમ છે.
મહેસાણા કો.ઓપ. બેંકને કરોડોનો ચુનો લગાવનાર કોણ?
મહેસાણા કો. ઓ. બેંકની ગાંધીધામ બ્રાંચમાં કરોડો રૂપિયાનો ચુનો લગાવનાર આરોપીઓ બિલ્ડર અને મોટા વેપારીઓ છે. જેમણે ખોટા રિપોર્ટના આધારે સમગ્ર કૌભાંડ આચર્યું હતું. આ આરોપીઓના નામ નીચે મુજબ છે
ક્રમ નામ સરનામુ
૧. બીજલ મહેતા અને તેની પત્ની અમન મહેતા ગોદાવરી ફ્લેટ-વાસણા
૨. મનોજ ચૌધરી વર્ષામેડી ગામ, તા. અંજાર
૩. શ્યામજી મયાત્રા અંતરજાળ ગામ, ગાંધીધામ
૪. રમેશ અગ્રવાલ સેક્ટર-૧, ગાંધીધામ
૫. પ્રેમજી પટારિયા ગણેશનગર, ગાંધીધામ
૬. ઉમેશ પટેલ મેઘપર બોરીચી, તુલસીધામ, માધાપર તા. અંજાર
૭. લક્ષ્મણ મહેશ્વરી સેક્ટર-૬, ગણેશનગર,ગાંધીધામ
૮. યાકુબ રાયમા એકતાનગર,તા. લખપત
૯. જયદીપ પટેલ પટેલવાસ, સતાલિયા ગામ, તા. ચીખલી, નવસારી
૧૦. શુભમ અગ્રવાલ ગાંધીધામ
૧૧. નરેન્દ્ર પટેલ સુભાષનગર, ગાંધીધામ
૧૨. સત્યેન્દ્ર મિશ્રા અપનાનગર, તા. લખપત