Mob Attacks Near Palladium Mall Case : ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા સામે સવાલ ઉઠાવતી અનેક ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે અમદાવાદના પોશ વિસ્તારમાં એસ. જી. હાઇવે પર આવેલા પેલેડિયમ મોલ ખાતે ગત શુક્રવારે કેટલાંક લુખ્ખાઓએ જાહેરમાં તલવારો વડે આતંક મચાવ્યો હતો અને વાહનોમાં તોડફોડ કરીને હુમલો કર્યો હતો. સમગ્ર ઘટના મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આ મામલે પોલીસે 5 આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી.
પેલેડિયમ મોલ પાસે ધમાલ કરનારા 5 ઝડપાયા
અમદાવાદના એસ. જી. હાઇવે પર આવેલા પેલેડિયમ મોલ પાસે અસામાજિક તત્ત્વોએ તલવાર અને લાકડીઓ સહિતના હથિયાર વડે જાહેરમાં આતંક મચાવ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા મિહિર દેસાઈ, પ્રિન્સ જાંગીડ, જીગર ઉર્ફે જીગ્નેશ દેસાઈ, પવન ઠાકોર અને કૈલાશ દરજી નામના 5 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે.
આ પણ વાંચો: પતંગરસિયા માટે ખુશખબરઃ ઉત્તરાયણમાં રહેશે સારો પવન, ઠંડીનું પણ જોર રહેશે
શું હતી સમગ્ર ઘટના?
પોલીસ ફરિયાદ મુજબ, તલવાર વડે હુમલો કરનારા શખ્સો ફોર્ચ્યુનર, ક્રેટા અને સ્કોર્પિયોમાં આવીને પેલેડિયમ મોલ પાસે ઊભા રહેલા વિજય ભરવાડ નામના શખ્સ સહિત તેના મિત્રોને નિશાનો બનાવ્યો હતો. જેમાં આરોપી પ્રિન્સ અને મિહિર દેસાઈ સહિતના હુમલાખોરોએ પીડિતો પર તલવારો અને લાકડીઓથી હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સમગ્ર ઘટનામાં વિજય ભરવાડને પીઠના ભાગે ઈજા પહોંચી હતી. જ્યારે અન્ય કેટલાક શખ્સો પણ ઈજાગ્રસ્ત થયા હતા. સમગ્ર ઘટના મામલે હુમલામાં ભોગ બનનારા શખ્સે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.