Road Accident In Gujarat: વર્ષ 2024ની વિદાયનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. આ વર્ષે માર્ગ અકસ્માતમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો હતો. ગુજરાતમાં આ વર્ષે 1.62 લાખથી વધુ વ્યક્તિને માર્ગ અકસ્માત બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જેની સરખામણીએ વર્ષ 2023 ગુજરાતમાં માર્ગ અકસ્માતમાં 1.55 લાખથી વધુ ઈજાગ્રસ્તો હતા. વર્ષ 2023ની સરખામણીએ માર્ગ અકસ્માતથી થતી ઈજાના પ્રમાણમાં 5.10 ટકાનો વધારો થયો છે. રાજ્યમાં દર કલાકે સરેરાશ 19 વ્યક્તિ માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા છે.
માર્ગ અકસ્માતમાં ચિંતાજનક વધારો
ગુજરાતમાં જાન્યુઆરીથી જૂન દરમિયાન 81,305 વ્યક્તિને માર્ગ અકસ્માતમાં ઈજા થઈ હતી. જુલાઇથી ડિસેમ્બરમાં 81,649 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા. વર્ષ 2023માં જાન્યુઆરીથી જૂન દરમિયાન 81,192 વ્યક્તિને માર્ગ અકસ્માતમાં ઈજા પહોંચી હતી. વર્ષ 2024 માર્ગ અકસ્માતમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે.
આ પણ વાંચો: પહેલી જાન્યુઆરીથી નવું ટાઈમટેબલ, અમદાવાદ ડિવિઝનને સાંકળતી 48 ટ્રેનોના સમયમાં ફેરફાર
ઈમરજન્સી સેવા 108 પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાતમાંથી આ વખતે માર્ગ અકસ્માતમાં સૌથી વધુ ઈજાગ્રસ્તોને સારવાર લેવી પડી હોય તેવા જિલ્લામાં અમદાવાદ મોખરે છે. વર્ષે 27,515 વ્યક્તિને માર્ગ અકસ્માતમાં ઈજા પહોંચી છે. અમદાવાદમાં પ્રતિ દિવસે સરેરાશ 76 વ્યક્તિને માર્ગ અકસ્માત બાદ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે.
ગુજરાતમાં આ વર્ષે માર્ગ અકસ્માતમાં થયેલા કુલ ઈજાગ્રસ્તોમાં 15 ટકાથી વધુ માત્ર અમદાવાદ જિલ્લામાંથી છે. માર્ગ અકસ્માતમાં સૌથી વધુ વ્યક્તિને ઈજા થઈ હોય તેમાં સુરત બીજા, વડોદરા ત્રીજા, રાજકોટ ચોથા અને ગાંધીનગર પાંચમાં સ્થાને છે. જે જિલ્લામાં ગત વર્ષ કરતાં માર્ગ અકસ્માતમાં ઈજાનું પ્રમાણ વધ્યું હોય તેમાં ગીર સોમનાથ 14.93 ટકા સાથે મોખરે છે. ગીર સોમનાથમાં 2023માં 1828 જ્યારે આ વર્ષે 2101 વ્યક્તિને માર્ગ અકસ્માતમાં ઈજા પહોંચી છે.