(પ્રતિનિધિ તરફથી)અમદાવાદ,ગુરૃવાર
સામાન્ય રીતે કાયદો ઘડવાની સાથોસાથ તેને સંસદમાં મૂકતા પૂર્વે કાયદાના નિષ્ણાતો અને કાયદાનો મુસદ્દો તૈયાર થયા પછી નિષ્ણાતો અને તેની અસર હેઠળ આવનારા દરેકનો મત લેવા માટે જાહેરમાં મૂકવામાં આવે છે. પરંતુ જનમત લેવાની આ પ્રક્રિયા પૂરી કર્યા વિના જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની સરકાર આવતીકાલે કદાચ સંસદમાં આવકવેરાનો નવો કાયદો તૈયાર કરવા માટેનું બિલ-ખરડો રજૂ કરે તેવી સંભાવના છે. આ ખરડો આવતીકાલે નહિ તો પછી આગામી ચાર પાંચ દિવસમાં સંસદમાં રજૂ કરી જ દેવામાં આવશે તે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે તેમના બજેટ પ્રવચનમાં કરેલી જાહેરાત પરથી લાગી રહ્યું છે.
જનમત લીધા વિના નિષ્ણાતોના અભિપ્રાયો જાણ્યા વિના કાયદા તૈયાર કરવામાં આવે તો તેનું ડ્રાફ્ટિંગ નબળું રહી જવાની સંભાવના રહેલી છે. ડ્રાફ્ટિંગ નબળું થાય તો તેને પરિણામે કાયદો બન્યા પછી લિટીગેશન થવાની સંભાવનાઓ વધી જાય છે. આ પ્રકારે આવકવેરા ધારાની કલમ ૧૪૮ એ, બી અને સીમાં કરવામાં આવેલો સુધારો છે. આ સુધારાએ એટલા બધાં ગૂંચવાડા ઊભા કર્યા છે કે તેને પરિણામે કોર્ટ કેસોની સંખ્યામાં ખાસ્સો વધારો થઈ ગયો છે.
સામાન્ય રીતે કાયદો ઘડવા માટે પેનલ બનાવવામાં આવે છે. આ પેનલ કાયદો તૈયાર કરે છે. ત્યારબાદ તેનો ડ્રાફ્ટ તૈયાર કરે છે. આ ડ્રાફ્ટ કાયદાના નિષ્ણાતોને બતાવવામાં આવે છે. તેના ઉપર તેમના મંતવ્યો અને અભિપ્રાયો લેવામાં આવે છે. તેમ જ આમજનતાનો પણ અભિપ્રાય તેને માટે લેવામાં આવે છે. ત્યારબાદ સંસદમાં તેને રજૂ કરીને સંસદ સભ્યો તે અંગે ચર્ચા કરે છે અને ચર્ચાને અંતે લોકસભામાં બહુમતીથી તે પસાર કરવામાં આવે છે. લોકસભામાં પસાર થયા પછા રાજ્ય સભામાં પણ તે રજૂ કરીને તે અંગે ચર્ચા કરીને તેના પર મતદાન લેવામાં આવે છે.
નાણાં મંત્રી તરીકે અરુણ જેટલીએ આવકવેરાનો નવો કાયદો તૈયાર કરવા માટે સમગ્ર દેશના શહેરોમાં ફરીને ટેક્સ એસોસિયેશનના વડાઓ સાથે મિટિંગો યોજીને તેમના અભિપ્રાયો જાણ્યા હતા. ટેક્સના નિષ્ણઆત પ્રમોદ પોપટનું કહેવું છે કે અમદાવાદમાં પણ કાયદાના નિષ્ણાતો સાથે કર્ણાવતી ક્લબમાં બેઠક યોજી હતી. આ રીતે મુંબઈ, કોલકાતા, દિલ્હી, બેન્ગ્લુરુ અને ચેન્નઈ સહિતના અનેક શહેરોની મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેમણે કાયદો ઘડવા માટેની પ્રક્રિયા ચાલુ કરી તો હતી.પરંતુ તે પ્રક્રિયા અધૂરી રહી ગઈ હતી.
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સનો નવો કાયદો લાવવામાં આવ્યો ત્યારે પણ હસમુખ અઢિયાએ તેમની ટીમના સભ્ય સાથે મળીને દરેક શહેરની મુલાકાત લઈને એક્સપર્ટ્સના મંતવ્યો લીધા હતા. આમ પ્રજામત લઈને પછી જ કાયદો સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો.
આવકવેરાના નવા કાયદા માટેનું બિલ એકદમ સરળ હશે
આવતા અઠવાડિયામાં સંસદમાં રજૂ કરવામાં આવનારા નવા આવકવેરા ધારા માટેના કાયદામાં લાંબાં લાંબા વાક્યો કે લાંબી અને ગૂંચવાડા ભરી જોગવાઈઓ રાખવામાં આવશે નહિ. તેમ જ તેમાં વધુ પડતી સ્પષ્ટતાઓ ન કરવી પડે તેવી સરળ જોગવાઈઓ કરવામાં આવશે, એમ નાણાં સચિવ તુહિન પાંડેએ આજે વાતચીત કરતાં જણાવ્યું હતું. નવો કાયદો સામાન્ય નાગરિક પણ સરળતાથી સમજી શકશે. શુક્રવારે કેબિનેટની મળનારી બેઠકમાં આવકવેરાના નવા કાયદા અંગે ચર્ચાવિચારણા થાય તેવી સંભાવના છે. બજેટના માધ્યમથી દાખલ કરવામાં આવેલા વેરાના નવા સ્લેબ્સને પણ આ કાયદામાં સમાવી લેવામાં આવશે. ટીડીએસની નવી જોગવાઈઓનો પણ સમાવેશ કરવાાં આવશે. તેના માધ્યમથી કોઈ જ નવા વેરાઓ પણ લાદવામાં આવશે નહિ.તેના થકી અસ્થિરતા ઊભી થાય તેવા કોઈ જ પ્રયાસ કરવામાં આવશે નહિ.