Ahmedabad Udaipur Vande Bharat Express: ગુજરાત અને રાજસ્થાન વચ્ચે જલ્દી જ એક નવી કડી જોડાશે, જેનાથી બંને રાજ્યો વચ્ચે મુસાફરી વધુ સરળ થઈ જશે. મળતી માહિતી મુજબ, અમદાવાદ અને ઉદયપુર વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ શરૂ થવા જઈ રહી છે. આ ટ્રેનના શિડ્યૂલ અને ભાડા વિશે પણ જાણકારી આપવામાં આવી છે. આ વંદે ભારત એક્સપ્રેસ બંને રાજ્યો વચ્ચે યાત્રા વધુ સુવિધાજનક બની જશે.
4 કલાકમાં ઉદયપુર
અમદાવાદથી ઉદયપુર વચ્ચે દોડતી વર્તમાન ટ્રેન લગભગ 5:30 થી 6 કલાકનો સમય લે છે, પરંતુ વંદે ભારત એક્સપ્રેસ આવવાથી આ યાત્રાનો સમય ઘણો ઓછો થઈ જશે. વંદે ભારત એક્સપ્રેસમાં આ સફર ફક્ત 4 કલાકમાં પૂરો કરી શકાશે. જેનાથી મુસાફરોને વધુ તેજ અને સુવિધાજનક યાત્રા કરી શકશે.
પ્રવાસન વિભાગને પ્રોત્સાહન
પશ્ચિમ રેલવેએ અમદાવાદથી ઉદયપુર વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ શરૂ કરવાની યોજના બનાવી છે. જોકે, અમદાવાદ-હિંમતનગર-ઉદયપુરના રૂટના વિદ્યુતિકરણનું કામ પૂર્ણ થયા બાદ જ શરૂ કરવામાં આવશે. ઉદયપુરમાં પર્યટન વ્યવસાય સાથે જોડાયેલા લોકોએ આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. કારણ કે, અમદાવાદ અને ઉદયપુર બંને શહેર પર્યટનના મુદ્દે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. મોટી સંખ્યામાં પર્યટક એક મોટી ટ્રીપમાં આ બંને શહેર ફરવાનો પ્લાન બનાવે છે. વંદે ભારત એક્સપ્રેસથી આવા લોકોને સુવિધા થઈ જશે.
કેટલું હશે ભાડું?
નોંધનીય છે કે, આ વંદે ભારત એક્સપ્રેસ ક્યારે શરૂ થશે તે વિશે હજુ સુધી કોઈ સત્તાવાર તારીખ આપવામાં નથી આવી. પરંતુ, પશ્ચિમ રેલવેએ મૌખિક રૂપે તેનો સમય, ભાડુ અને સ્ટોપેજ સંબંધિત જાણકારી આપી હતી. એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે, 26 જાન્યુઆરી બાદ એટલે કે, ફેબ્રુઆરીના મધ્ય સુધી ગમે ત્યારે આ ટ્રેન શરૂ કરવામાં આવી શકે છે. આ ટ્રેન અમદાવાદના અસારવા સ્ટેશનથી ઉપડશે. આ સિવાય, ટ્રેનના ભાડા વિશે વાત કરીએ તો એસી ચેર કારનું ભાડું 1065 રૂપિયા અને એક્ઝિક્યુટિવ ચેર કારનું ભાડું 1890 રૂપિયા હોય શકે છે.