(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,મંગળવાર
કરદાતા તેમનું રિટર્ન ફાઈલ કરવાની નિર્ધારિત તારીખ ચૂકી જશે તો નવા આવકવેરા ધારાની જોગવાઈ હેઠળ તેઓ રિફંડ ક્લેઈમ કરી શકશે નહિ તે વાત સદંતર પાયાવિહોણી અને ખોટી હોવાની સ્પષ્ટતા સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે કરી છે.
ગત પહેલી ફેબુ્રઆરીએ નાણાં મંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલા બજેટમાં રિફંડ અંગેની જોગવાઈના સંદર્ભમાં એવી વાતો વહેતી થઈ ગઈ હતી કે રિટર્ન ફાઈલ કરવાની તારીખ કરદાતા ચૂકી જાય તો તે કરદાતા રિફંડનો ક્લેઈમ કરી શકશે નહિ. પરિણામે કરદાતાઓના એક વર્ગમાં મોટો ફફડાટ ફેલાઈ ગયો હતો. સીબીડીટીએ એમ પણ જણાવ્યું છે કે રિફંડ માટેના કાયદામાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી.
સીબીડીટીની આ સ્પષ્ટતાને કારણે કરદાતાઓ રાહતનો શ્વાસ લેશે. આવકવેરાની પૂરું થયા બાદના વર્ષની ૩૧મી ડિસેમ્બર સુધી રીટર્ન ફાઈલ કરીને રિફંડ ક્લેઈમ કરી શકાતું હતું. સોશિયલ મિડિયામાં આ અંગે ખાસ્સો હંગામો ફેલાઈ ગયો હતો. પરિણામે આવકવેરા ખાતાએ સ્પષ્ટતા કરવી પડી છે કે કરદાતાએ રિફંડ ક્લેઈમ કરવા માટેના નિયમોમાં કે પછી નીતિઓમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી. આવકવેરા ધારાની જૂની જોગવાઈ મુજબ કલમ ૨૩૯ હેઠળ કરદાતા રિફંડને ગમે ત્યારે ક્લેઈમ કરી શકતો હતો.
હવે આ જ જોગવાઈ કલમ ૨૬૩(૧)(રોમન નવ)માં મૂકવામાં આવી છે. રિફંડના ક્લેઈમ ફાઈલ કરવામાં અન્ય કોઈ જ નિયંત્રણો લાદવામાં આવ્યા નથી. કલમ ૨૬૩(૧)(એ)માં જુદી જુદી કેટેગરીમાં આવતા કરદાતાએ રિટર્ન ફાઈલ કરવા માટે શું શું કરવું જોઈએ તે અંગે સ્પષ્ટતા કરવામાં આવેલી છે. નવા કાયદામાં દરેક કેટેગરીના કરદાતાઓને એક સેક્શન હેઠળ લાવી દેવામાં આવ્યા છે.