અમદાવાદ, સોમવાર
દરીયાપુરમાં વેપારીને પરિવાર સાથે હજ યાત્રા માટે લઇ જવાના બહાને જમાલપુરના ટુર્સ માલિકે રૃા. ૩૮.૧૫ લાખ મેળવી લીઘા હતા. ત્યારબાદ ૨૦૨૩થી હજ લઇ જવા માટે બહાના બતાવ્યા હતા એટલું જ નહી આ વર્ષે બુકિંગ ફૂલ થઇ ગયું છે માટે ત્રણ વ્યક્તિઓને આવતા વર્ષે લઇ જવાની વાત કરી હતી. આ બનાવ અંગે વેપારીએ ફરિયાદ કરતાં દરીયાપુર પોલીસે ટુર્સ માલિક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બે વર્ષ સુધી વાયદા કરતા દરીયાપુર પોલીસે જમાલપુરના ટુર્સના માલિક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી
દરીયાપુરમાં રહેતા યુવકે દરીયાપુર પોલીસ સ્ટેશનમાં જમાલપુરના ટુર માલિક સામે ફરિયાદ નોંધાવી છે કે વર્ષ ૨૦૨૩માં આરોપી દુકાને મળવા આવ્યા હતા. ત્યારે તેણે છ વ્યક્તિઓને હજ લઇ જવાની વાત કરી હતી અને છ વ્યક્તિઓના ખર્ચ પેટે તેમણે ૩૩ લાખ રૃપિયા થશે તથા વાપરવા માટે રીયાલ લેવાના અલગ પૈસા થશે તેમ જણાવ્યું હતું જેથી યુવકના પિતાએ તેમના સહિત પરિવારના ખાતામાંથી રૃ. ૧૫.૫૬ લાખ એડવાન્સ તરીકે ટ્રાન્સફર કર્યા હતા. જ્યારે ૫.૧૫ લાખ રોકડા સાઉદી રિયાલ લેવા માટે ૩૦ એપ્રિલ ૨૦૨૪એ આપ્યા હતા.
થોડા દિવસો બાદ આરોપી ફરિયાદીની દુકાને આવ્યા હતા અને કહ્યું હતું કે, આ વર્ષે બુકિંગ વધી ગયું છે તેથી ત્રણ વ્યક્તિઓને આ વર્ષે અને ત્રણ વ્યક્તિઓને બીજા વર્ષે હજ માટે લઇ જઇશ તેમ જણાવ્યું હતું. જેથી યુવકના પિતાએ પરિવારના અન્ય સભ્યોના નામ લખાવ્યા હતા પછી આરોપીએ કહ્યું હતું કે, ૨૨ જુન ૨૦૨૩એ લખનૌ પહોંચવુ પડશે ત્યાંથી ૨૩-૦૬-૨૦૧૩ના રોજ ફ્લાઇટ ઉપડશે. જેથી લખનૌની ટિકિટ કરવા ત્રણને એરપોર્ટ મૂકવા પહોંચ્યા હતા. ત્યારે આરોપીએ તમારા વિઝા આવ્યા નથી તેમ કહ્યું હતું જેથી આવતા વર્ષે તમને બધાને લઇ જઇશ જેથી તેઓ ઘરે પરત આવ્યા હતા. ત્યારબાદ ૨૦૨૪માં આરોપીએ મારે લાયસન્સ આવ્યું નથી તેમ કહીને આવતા વર્ષે લઇ જવાની વાત કરી હતી ત્યારબાદ ખર્ચ પેટે બીજા પૈસા પણ મેળવી ટુકડે કરી કુલ રૃા. ૩૮.૧૫ લાખ લઇ લીધા પછી હજ યાત્રાએ લઇ જવા ગલ્લાં તલ્લાં કર્યા હતા.