અમદાવાદ, શુક્રવાર
શહેરના શાહપુર વિસ્તારમાં આવેલા અંક્લેશ્વરીયા બ્લોક પાસે કાલુ સૈયદ બાવાની દરગાહ આવેલી છે. આ વિસ્તારમાં રહેતા ટાયરવાલા ફેમીલી અને અન્ય લોકોએ ગંભીર આક્ષેપ કર્યો છે કે કાલુ સૈયદ બાવાની દરગાહ અને આસપાસની વિસ્તારમાં સ્થાનિક માથાભારે સિરાજ શેખ, રકીબ શેખ અને રહીમ શેખ નામના વ્યક્તિઓ દ્વારા ગેરકાયદે દબાણ ઉભુ કરવામાં આવ્યું છે અને આ જમીન પર રસ્તાને અડચણરૂપ થાય તેવી રીતે ગેરેજ બનાવીને વાહનો પાર્ક કરવામાં આવે છે. આ ઉપરાંત,નજીકમાં રસ્તો રોકાઇ તેવી રીતે મોટા પ્રમાણમાં રેતી કપચીનો ખડકલો કરવાની સાથે બહારથી આવતા લારીઓ વાળા પાસેથી ગેરકાયદે નાણાં ઉઘરાવીને દાદાગીરી કરવામાં આવે છે. આ બાબતે સ્થાનિક લોકોએ એ અવારનવાર તેમને ટોક્યા હતા,
પરંતુ, તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતા સ્થાનિક લોકોમાં ફફડાટ હતો. શુક્રવારે બપોરના સમયે સિરાજ અને અન્ય લોકોએ ટાયરવાલા ફેમીલીના ફિરોઝ અખતર, નાસિરખાન અને અન્ય પરિવારનો સભ્યો તેમજ સ્થાનિક લોકો સાથે મારામારી કરીને ભયનો માહોલ ફેલાવ્યો હતો. સ્થાનિક લોકોએ આરોપ લગાવ્યો છે તે સિરાજ દ્વારા કેટલાંક ગેરકાનુની કામ પણ કરવામાં આવી રહ્યા છે. જેથી હવે આ મામલે ન્યાય મેળવવા માટે ડીસીપી ઝોન-2 ભરત રાઠોડ અને પોલીસ કમિશનર જી એસ મલિકને રજૂઆત કરવામાં આવશે.