અમદાવાદ,મંગળવાર,8
એપ્રિલ,2025
અમદાવાદના ઓઢવ,
અમરાઈવાડી અને જશોદાનગર જુની અને નવી એમ કુલ ચાર રબારી વસાહતના ૧૧૦૦ માલધારી
પરિવારોને હાલની જંત્રીના ૧૫ ટકા મુજબ રકમ અને ટ્રાન્સફર ફી ભર્યેથી કાયમી માલિકી
હક અપાશે. કાયમી માલિકી હક મેળવવા અરજદાર,લાભાર્થીએ
અમદાવાદ મ્યુનિ.ના બાકી ભાડા,
લેણાં અને વેરાની ભરપાઈ કરવી પડશે.
રાજય સરકાર દ્વારા અમદાવાદ મ્યુનિ.ની હદમાં આવેલી ચાર રબારી
વસાહતના પરિવારોને કાયમી માલિકી હક આપવાના નિર્ણયને મંજુરી આપી છે.વર્ષ-૧૯૬૦-૬૧માં
જમીન સંપાદન કરી મ્યુનિસિપલ કોર્પોરેશનને સોંપી હતી.જશોદાનગર જુની વસાહતમાં ૧૩૭, નવી વસાહતમાં ૪૪૦, ઓઢવમાં ૩૧૦ તથા
અમરાઈવાડીમાં ૨૧૨ પ્લોટ મળી કુલ ચાર વસાહતમાં ૧૦૯૯ પ્લોટની ફાળવણી માલધારી સમાજને
કરાઈ હતી.ચાર વસાહતનુ અંદાજિત ક્ષેત્રફળ ૬,૫૭,૩૬૩ ચોરસ મીટર
થાય છે.રાજય સરકારે રાહતભાવે જમીન વેચાણથી આપવા નિર્ણય કર્યો છે.જમીનનો કાયમી
માલિકી હક મેળવવા માટે મુળ ફાળવણીના વારસદારોએ ટ્રાન્સફર ફી પેટે રુપિયા એક હજારની
રકમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ભરવાની રહેશે.મુળ ફાળવણી સિવાયના કબજેદાર
એટલે કે વારસદાર સિવાયના કિસ્સામાં જરુરી પુરાવા આપી રુપિયા ૨૦ હજાર ટ્રાન્સફર
ફીની રકમ મ્યુનિસિપલ તંત્રને આપવાની રહેશે.જમીન એકથી વધુ વખત તબદીલ થઈ હોય તેવા
કિસ્સામાં વધારાની ટ્રાન્સફર ફીની રકમ અલગથી ભરવાની રહેશે નહીં.સરકારી,સ્થાનિક વેરાની
બાકીની રકમ ભર્યેથી સ્ટેમ્પ ડયુટી તથા આનુષાંગિક ખર્ચ કરી નિયત સમયમાં દસ્તાવેજ
કરાવી લેવાનો રહેશે.કબજેદારોને ફાળવવામા આવેલી જમીન ઉપર મંજુરી સિવાયના બાંધકામને
ઈમ્પેકટ હેઠળ નિયમિત કરાવવાનુ રહેશે.દસ વર્ષ સુધી રહેણાંક સિવાય અન્ય ઉપયોગ કરી
શકાશે નહીં.અન્યને વેચાણ કે તબદીલ કરી શકાશે નહીં.હાલના કબજેદારોએ મુળ પ્લાનમાં
દર્શાવ્યા મુજબ,કોમન
પ્લોટ,આંતરિક
રોડ,રિઝર્વ
પ્લોટ વગેરેની જગ્યા ખુલ્લી કરવાની રહેશે.દસ વર્ષની મુદત બાદ રહેણાંક સિવાય અન્ય
ઉપયોગ કરવા માંગતા હોય તો પણ પૂર્વ મંજુરી મેળવી જંત્રીના પુરા નાણાં ભરવાના
રહેશે.જેમાં અગાઉ ભરેલા નાણાં મજરે મળી શકશે.