Ahmedabad Vastral Crime: હોળીના દિવસે વસ્ત્રાલમાં 25થી વધુ શખસોએ હાથમા ખુલ્લી તલવારો, છરી અને પાઇપ જેવા હથિયારો સાથે આખા વિસ્તારને બાનમાં લઇને રાહદારીઓને ઊભા રાખીને તલવાર અને છરી ઘા મારીને તેમના વાહનોની તોડફોડ કરી હતી. આ તમામ અસામાજિક તત્ત્વો આ રીતે પોતાની ધાક જમાવવા માટે આતંક મચાવતા હતાં. આ કેસમાં પોલીસે વધુ એક આરોપી રાજ ઉર્ફે ભુરા ભાટી નામના શખસની ધરપકડ કરી છે. અત્યાર સુધી સગીર સહિત 17 આરોપીની ધરપકડ થઇ ચૂકી છે. જ્યારે આ ઘટનાનો મુખ્ય આરોપી પંકજ ભાવસાર ઘટનાના 5 દિવસ પછી પણ પોલીસ પકડથી દૂર છે. ફરાર આરોપીને શોધવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
સાત આરોપીના ગેરકાયદે મકાનો તોડી પાડ્યા
વસ્ત્રાલમાં આતંક મચાવાના લુખ્ખાઓના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા પોલીસે આરોપીઓને જાહેરમાં સરભરા કરીને કાયદાનું ભાન કરાવ્યું હતુ. બાદમાં સાત આરોપીના ગેરકાયદે મકાનો પર બુલડોઝર ફેરવી તોડી પાડવામાં આવ્યા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ અંગે વધુ એક આરોપીઓને રાઉન્ડઅપ કરવામાં આવ્યો છે. આ સિવાય ફરાર મુખ્ય આરોપીને પકડવા માટે ટીમ બનાવી શોધખોળ શરૂ કરી છે. આ સિવાય પોલીસે AMC તમામ આરોપીના ઘરની વિગતનો રિપોર્ટ આપ્યો છે. જ્યારે અન્ય ચાર જેટલા આરોપીના ઘર પર બુલડોઝર ફેરવવામાં આવશે.
આ પણ વાંચો: ગુજરાતના મોટા બુટલેગરો-અસામાજિક તત્ત્વોની યાદી તૈયાર, ગેરકાયદે બાંધકામો તોડી પડાશે
શું હતો મામલો?
અમદાવાદમાં હોળીની રાત્રે વસ્ત્રાલ વિસ્તારમાં અસામાજિક તત્ત્વોએ આતંક મચાવ્યો હતો. જેનો વીડિયો વાઈરલ થયો હતો. આ વીડિયોમાં જોઈ શકાય છે કે તોફાની તત્ત્વોએ રાહદારીઓને પણ નિશાન બનાવવાનું શરૂ કર્યું હતું. વિસ્તારમાં ઘર-મકાન-દુકાનોની આજુબાજુ ઊભેલા વાહનોમાં પણ તોડફોડ મચાવી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, લગભગ 15 થી 20 તોફાનીઓના ટોળાએ આતંક મચાવ્યો હતો અને વાહનો અને રાહદારીઓ પર બેફામ હુમલા કર્યા હતા અને અપશબ્દો કહ્યા હતા.
અસામાજિક તત્ત્વોની હવે ખેર નહીં
અમદાવાદ પોલીસના જણાવ્યાનુસાર, શહેરમાં આપનાં રહેણાકની આજુબાજુમાં, વ્યવસાય, નોકરીના સ્થળની આજુબાજુમાં કે અન્ય કોઈપણ જાહેર સ્થળોએ ભય ફેલાવનાર, લુખ્ખાગીરી કરનાર કે અન્ય કોઈપણ પ્રકારના ગેરકાયદે કૃત્ય કરનાર અસામાજિક ઇસમો સામે ખાસ ઝુંબેશ શરૂ કરી છે. જેમાં અસામાજિક તત્ત્વો પર અંકુશ લાવવા ઈનામી પ્રયોગ હાથ ધર્યો છે. જે હેઠળ પોલીસ દ્વારા એક વોટ્સએપ નંબર 63596 25365 જાહેર કરવામાં આવ્યો છે. આ નંબરનો ઉપયોગ કરી અસામાજિક અને લુખ્ખા તત્ત્વોની માહિતી આપવા માટે નાગરિકોને અપીલ કરાઈ છે.