HMP Virus : અમદાવાદમાં HMPVનો વધુ એક કેસ નોંધાયો છે. અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 69 વર્ષીય મહિલા દર્દી મહેસાણાના વિજાપુરના હોવાની માહિતી મળી રહી છે. શહેરમાં વધુ એક HMPVનો પોઝિટિવ કેસ આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. મહિલાને કફ અને શ્વાસ લેવામાં તકલીફ થતાં અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અગાઉ HMPVના છ કેસ પોઝિટિવ નોંધાયા હતા.
પ્રથમ કેસ: અમદાવાદમાં 2 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ
અમદાવાદમાં ચાંદખેડા વિસ્તારમાં આવેલી ઓરેન્જ હૉસ્પિટલમાં 2 મહિનાનું બાળકને 24 ડિસેમ્બર 2024ના દાખલ કરાયા બાદ 26 ડિસેમ્બરે રિપોર્ટ આવ્યો હતો. પરંતુ આ મામલે હૉસ્પિટલે તંત્રને અવગત ન કરાતાં AMC આરોગ્ય અધિકારીએ નોટિસ પાઠવી હૉસ્પિટલ સત્તાધીશો પાસેથી સમગ્ર મામલે ખુલાસો માંગ્યો હતો.
બીજો કેસ: હિંમતનગરમાં 8 વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ
HMPVનો બીજો કેસ હિંમતનગરથી સામે આવ્યો હતો. જેમાં હિંમતનગરની ખાનગી હૉસ્પિટલમાં સારવાર હેઠળના આઠ વર્ષના બાળકનો HMPVનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેને ICUમાં રાખવામાં આવ્યો હતો. બાળક પ્રાંતિજ તાલુકાના એક ગામનો છે. જ્યારે જિલ્લામાં HMPVનો કેસ સામે આવતાની સાથે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું.
આ પણ વાંચો: ગુજરાત વિધાનસભાનું બજેટસત્ર 19મી ફેબ્રુઆરીથી શરૂ થશે, 20મીએ બજેટ રજૂ કારશે
ત્રીજો કેસ: અમદાવાદમાં 80 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ
HMPVનો ત્રીજો કેસ અમદાવાદથી સામે આવ્યો હતો. જેમાં વસ્ત્રાપુરમાં રહેતા 80 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમાં વૃદ્ધને મેમનગરની સ્ટર્લિંગ હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા.
ચોથો કેસ: અમદાવાદમાં 9 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ
રાજ્યમાં HMPVનો વધુ એક કેસ નોંધાયો છે. જેમાં અમદાવાદમાં 9 મહિનાના એક બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બાળકને વિહા ચિલ્ડ્રન હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. જો કે, બાળકને હાલ ચાઇલ્ડ હુડ હૉસ્પિટલમાં શિફ્ટ કરાયો હોવાનું સામે આવ્યું છે.
પાંચમો કેસ: 59 વર્ષીય આધેડનો HMPV રિપોર્ટ પોઝિટિવ
11 જાન્યુઆરી, 2025એ અમદાવાદમાં મૂળ કચ્છના રહેવાસી 59 વર્ષીય આધેડનો HMPV રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. છે. તેમને સારવાર માટે અમદાવાદની ઝાયડસ હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. મળતી માહિતી અનુસાર, દર્દીની કોઈપણ પ્રકારની ટ્રાવેલ હિસ્ટ્રી જોવા મળી નથી.
છઠ્ઠો કેસ: અમદાવાદમાં ચાર વર્ષીય બાળકનો HMPVનો રિપોર્ટ પોઝિટિવ
અમદાવાદ શહેરમાં કૃષ્ણનગર વિસ્તારમાં ચાર વર્ષીય બાળકનો HMPVનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 13 જાન્યુઆરીના રોજ તેને તાવ, શરદી, ઉલટી અને કફની તકલીફ થતાં ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાં તેમની સારવાર દરમિયાન રિપોર્ટ કરાવાયો હતો, જે પોઝિટિવ આવ્યો છે. બાળકની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી મળી નથી.
વાઇરસના લક્ષણો
આ વાઇરસને હ્યુમન મેટાન્યૂમો વાઇરસ એટલે કે HMPV કહેવામાં આવે છે, જેના લક્ષણો (HMPV Virus Symptoms) સામાન્ય શરદી-ખાંસી જેવા જ હોય છે. સામાન્ય કિસ્સાઓમાં તે ઉધરસ અથવા ગળામાં ખારાશ, વહેતું નાક અથવા ગળામાં દુ:ખાવાનું કારણ બને છે. નાના બાળકો અને વૃદ્ધોમાં HMPV ચેપ ગંભીર હોઈ શકે છે. આ વાઇરસ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં ગંભીર બીમારીનું કારણ બની શકે છે.
HMPV નવો વાઇરસ નથી
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ HMPV કોઈ નવો વાઇરસ નથી. અગાઉ તેની ઓળખ વર્ષ 2001માં થઈ હતી અને તે વર્ષોથી વિશ્વભરમાં ફેલાઈ રહ્યો છે. બીજી તરફ નિષ્ણાતોનું કહેવું છે કે, HMPV સંક્રમિત દર્દીઓને ભાગ્યે જ હૉસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડે છે, તેથી આ વાઇરસથી ગભરાવાની જરૂર નથી.
શ્વસનને લગતાં ચેપી રોગોના રક્ષણ સામે શું કરવું જોઈએ?
• જ્યારે ઉધરસ અથવા છીંક આવે ત્યારે મોઢું અને નાકને રૂમાલ અથવા ટિશ્યુથી ઢાંકવું જોઈએ.
• નિયમિત રીતે હાથ સાબુ અને પાણીથી ધોવા અથવા સેનેટાઇઝરનો ઉપયોગ કરવો.
• ભીડભાડવાળા સ્થળોથી દૂર રહેવું અને ફ્લૂથી પીડિત વ્યકિતઓથી ઓછામાં ઓછું એક હાથનું અંતર રાખવું
• તાવ, ઉધરસ કે છીંક આવે છે તો જાહેર સ્થળો પર જવાનું ટાળવું.
• વધુ પાણી પીવું અને પૌષ્ટિક ખોરાક લેવો.
• પ્રબળ પ્રતિરોધક શક્તિ માટે પૂરતી ઊંઘ લેવી.
• બીમારીઓ ફેલાતી અટકાવવા માટે યોગ્ય વેન્ટિલેશનવાળા વાતાવરણમાં રહેવું.
• શ્વસનને લગતાં લક્ષણો જણાય તો ઘરમાં જ રહેવું, બીજાઓ સાથે સંપર્ક મર્યાદિત કરવો અને તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો.
શું ના કરવું જોઈએ?
• જરૂરી ના હોય તો આંખ, નાક કે મોઢાને સ્પર્શ કરવો નહીં.
• સંક્રમિત વ્યક્તિએ પોતાની ચીજવસ્તુઓ જેમ કે ટુવાલ, રૂમાલ અથવા અન્ય વાસણો અન્ય વ્યક્તિના સંપર્કમાં કે ઉપયોગમાં ના આવે તેનું ધ્યાન રાખવું.
• જાતે દવા લેવાનું ટાળવું, લક્ષણોમાં વધારો દેખાય તો આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવો.