અમદાવાદ, શનિવાર
બીઝેડ ફાઇનાન્સિયલ કૌભાંડમાં હવે અમદાવાદ તેમજ અન્ય શહેરોમાં રહેતા લોકો પણ છેતરપિંડી થવાની ફરિયાદ લઇને પોલીસ સમક્ષ પહોચ્યા છે. શહેરન જોધપુર પ્રેરણાતીર્થ રોડ પર આવેલા એક એપાર્ટમેન્ટમાં રહેતા દંપતિને શીલજમાં રહેતા જમીન દલાલી કરતા પિતા પુત્રએ બીઝેડની સ્કીમમાં નાણાંનું રોકાણ કરીને છ મહિનામાં બમણા કરી આપવાનું કહીને ૧૫ લાખ રૃપિયા લીધા ફરિયાદ નોધવામાં આવી છે. શીલજમાં રહેતા પિતા-પુત્રએ બીઝેડ ફાઇનાન્સ માટે અનેક લોકો પાસેથી લાખો રૃપિયા લીધા હોવાનું પણ સામે આવ્યું છે. નોંધનીય છે કે ભુપેન્દ્રસિંહ ઝાલાએ વધારે નાણાં કમાવવા માટે જમીન અને મકાનની દલાલી સાથે સંકળાયેલા લોકોને એજન્ટ બનાવીને કરોડો રૃપિયાનું કલેક્શન કર્યું હતું. શહેરના જોધપુર પ્રેરણાતીર્થ રોડ પર આવેલા ચંદ્રેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતા માનસીબેન પરમારે કરેલી ફરિયાદની વિગતો એવી છે કે તેમના પતિ વિજયભાઇ પરમાર શ્રીકાંત બ્રહ્યભટ્ટ અને તેના પિતા અશોક બ્રહ્યભટ્ટ (બંને રહે. કોપર સ્ટોન, બાગબાન પાર્ટી પ્લોટ પાસે, થલતેજ શીલજ રોડ) અને તેમના માસા જયંતિભાઇ બ્રહ્યભટ્ટને ધંધાકીય સંબધના કારણે ઓળખતા હતા. થોડા મહિના પહેલા શ્રીકાંત અને અશોકભાઇ બ્રહ્યભટ્ટ વિજયભાઇના ઘરે આવ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે તેઓ બીઝેડ ફાઇનાન્સમાં એજન્ટ તરીકે જોડાયા છે. બીઝેડમાં રોકાયેલા નાણાં છ મહિનામાં બમણા કરી આપવામાં આવે છે. જેની જવાબદારી જંયતિભાઇએ પણ લીધી હતી.
જેથી વિજયભાઇએ વિશ્વાસ કરીને તબક્કાવાર કુલ ૧૫.૬૨ લાખનું રોકાણ કર્યું હતું. જે નાણાં બીઝેડના એકાઉન્ટમાં નહી પણ શ્રીકાંતે અને અશોક બ્રહ્યભટ્ટે પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા. જો કે છ મહિના બાદ તેમણે નાણાં આપ્યા નહોતા અને આ દરમિયાન ભુપેન્દ્રસિંહ ઝાલાનું સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું.
જેથી વિજયભાઇએ નાણાં પરત માંગતા તેમને ધમકી આપી હતી.બીઝેડના ભુપેન્દ્રસિંહની ઓળખાણ મોટા રાજકીય નેતાઓ અને ધારાસભ્યો સાથે છે. તે પોલીસને ખિસ્સામાં રાખે છે. જેથી નાણાં નહી મળે. બાદમાં જાણવા મળ્યું હતું કે પિતા પુત્ર અને જંયતિભાઇએ અન્ય લોકો પાસેથી પણ લાખો રૃપિયાનું રોકાણ કરાવીને છેતરપિડી કરી હતી. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.