વિધાનસભાની ચૂંટણીમાં પક્ષવિરોધી કૃત્ય કરનારાંને જીલ્લા પંચાયતમાં દંડક બનાવી દેવાયા : કિરીટ પટેલનો આક્ષેપ
પ્રદેશ કોંગ્રેસ નેતાઓ ધારાસભ્યોની ય વાત સાંભળતા નથી આ જ દશા રહી તો કેસરિયો ખેસ પહેરવા પડાપડી થશે
Updated: Dec 21st, 2023
અમદાવાદ, ગુરુવાર
MLA kirit Patel upset from Congress : ઓપરેશન લોટસ-પાર્ટ – ૨ શરૂ થયો છે જેના કારણે ગઇકાલે જ ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામુ ધરી દીધુ હતુ. હજુ ગુજરાત કોંગ્રેસના કેટલાંક ધારાસભ્યો પક્ષની વંડી ઠેકવા તૈયારીઓ કરી રહ્યા છે. પ્રદેશ કોંગ્રેસના નેતાઓ ધારાસભ્યોને ય સાચવી શકતા નથી. આ સ્થિતી વચ્ચે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ પણ નારાજ થયા છે. તેમણે પ્રદેશ નેતાગીરીને નિશાન બનાવી એવો આક્ષેપ કર્યો છેકે, વિધાનસભાની ચૂંટણીમાં જેમણે કોંગ્રેસના ઉમેદવારને હરાવવા પ્રયાસો કર્યા હોય તેમની સામે શિક્ષાત્મક પગલાં ભરાતા નથી. જો આ મામલે પક્ષ પગલાં નહી ભરે તો હું ચોક્કસપણે કોંગ્રેસમાંથી રાજીનામુ ધરી દઇશ. કોંગ્રેસના ધારાસભ્યની ચિમકીને પગલે વધુ એક ધારાસભ્ય કોંગ્રેસને અલવિદા કરે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.
વધુ એક ધારાસભ્યની નારાજગી બહાર આવી
ગુજરાત કોંગ્રેસની પ્રદેશ નેતાગીરી પર હાલ માછલા ધોવાઇ રહ્યા છે તેનુ કારણ એછેકે, અત્યાર સુધી કોંગ્રેસના 100 જેટલાં ધારાસભ્યો કેસરિયો ખેસ ધારણ કરી ચૂક્યા છે. લોકસભાની ચૂંટણી અગાઉ પક્ષપલટાની મોસમ જામે તેમ લાગી રહ્યુ છે. કોંગ્રેસના એક ધારાસભ્યએ રાજીનામુ ધર્યાને હજુ 24 કલાક વિત્યા નથી ત્યાં વધુ એક ધારાસભ્યની નારાજગી બહાર આવી છે. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે કોંગ્રસેની પ્રદેશ નેતાગીરી સામે નારાજગી વ્યક્ત કરતાં કહ્યુંકે, વિધાનસભાની ચૂંટણી વખતે મને હરાવવા કોંગ્રસેના જ સ્થાનિક નેતાઓ મેદાને પડયા હતાં. આ પક્ષવિરોધીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવા ધારાસભ્ય ચંદનજી ઠાકોર, રઘુ દેસાઇ સહિત અન્ય નેતાઓએ પણ રજૂઆત કરી હતી. મે ત્રણ વખત પત્ર લખીને વાત રજૂ કરી હતી. આમ છતાંય પ્રદેશ નેતાઓએ અમારી વાત સાંભળવા તૈયાર નથી. એટલુ જ નહીં, આ પક્ષવિરોધીન પક્ષમાંથી હાંકી કાઢવાને બદલે જિલ્લા પંચાયતના દંડક બનાવી દેવાયા હતાં. આમ, ધારાસભ્ય તરીકે અમારી સદંતર અવગણના થઇ રહી છે. પ્રદેશ નેતાઓને ધારાસભ્યની વાત સાંભળવાનો ય સમય નથી. જો આ મામલે પગલાં નહી લેવાય તો હું ચોક્કસપણે કોંગ્રેસમાંથી રાજીનામુ ધરી દઇશ. ધારાસભ્યોનો સૂર ઉઠયો છેકે, જયારે ધારાસભ્યો પક્ષ છોડીને જઇ રહ્યા છે ત્યારે પ્રદેશ નેતાઓએ વર્તમાન ધારાસભ્યો સાથે બેઠક કરી ચર્ચા કરવી જોઇએ.જો હજુય અવગણના થશે તો, કેસરિયો ખેસ પહેરવા પડાપડી થશે. ધારાસભ્ય કિરીટ પટેલને રાજીનામુ આપવાની ચિમકી આપતા પ્રદેશ નેતાઓ ડેમેજકંટ્રોલ કરવા દોડતા થયાં છે.
ઉત્તર ગુજરાત અથવા સૌરાષ્ટ્રમાંથી વધુ એક રાજીનામુ પડશે, એક ધારાસભ્ય સંપર્કવિહોણાં
લોકસભાની ચૂંટણીને આડે ગણતરીના મહિના બાકી રહ્યા છે ત્યારે ભાજપે ખેલ પાડયો છે જેના કારણે આપ અને કોંગ્રેસના ધારાસભ્ય કેસરિયો ખેસ પહેરવાની તૈયારી કરી રહ્યા છે. એવી ચર્ચાએ જોર પકડયુ છેકે, ટૂંક જ સમયમાં ઉત્તર ગુજરાત અથવા સૌરાષ્ટ્રમાંથી કોંગ્રેસમાંથી વધુ એક વિકેટ પડી શકે છે. સૌરાષ્ટ્રના એક કોંગ્રેસી ધારાસભ્યનો તો ફોન બંધ છે. આ ધારાસભ્ય સંપર્કવિહોણા થતાં કોંગ્રેસના પ્રદેશ નેતાઓની ચિંતામાં વધારો થયો છે. જોકે, ધારાસભ્ય વિમલ ચુડાસમાએ તો સ્પષ્ટતાં કરી છેકે, હું કોંગ્રેસમાં જ રહેવાનો છું. આ બધીય રાજકીય અફવા છે. મને બદનામ કરવા આ અફવા ફેલાવવામાં આવી રહી છે. હું પક્ષપલટો કરવાનો નથી.