અમદાવાદ,શુક્રવાર,28 ફેબ્રુ,2025
અમદાવાદના પિરાણા ખાતે મકાનની કામગીરી સમયે નીકળતા
કાટમાળમાંથી પેવરબ્લોક બનાવવાનો એક પ્લાન્ટ કાર્યરત છે.આમ છતાં બીજો પ્લાન્ટ
નાંખવા સત્તાવાળાઓએ નિર્ણય કરતા મળતીયા કોન્ટ્રાકટરને આ પ્લાન્ટ આપવાની તજવીજ
હોવાનું ચર્ચાઈ રહયુ છે.વર્ષો અગાઉ કાટમાળમાંથી પેવરબ્લોક બનાવવા પિરાણા ખાતે શરુ
કરવામાં આવેલો પ્લાન્ટ કેવી રીતે ચાલે છે એ વિગત ઉપર સત્તાધીશોએ ઢાંકપિછોડો કર્યો
છે.
આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર,શહેરના સાત ઝોનમાં મકાનો તોડવાથી કે મ્યુનિ.ના વિવિધ
પ્રોજેકટની કામગીરી સમયે નીકળતા કાટમાળ એટલે કે ડેબરીઝનો નિકાલ કરવા સાત ઝોનમાં
અલગ પ્લોટ ફળવાયા હતા.પિરાણા ખાતે પહોંચતા કાટમાળને રીસાયકલ કરીને તેમાંથી
પેવરબ્લોક અને ફુટપાથ માટેની કર્બિંગ,બાંકડા
સહીતની જુદી જુદી ચીજ વસ્તુ બનાવવા એક કોન્ટ્રાકટરને મ્યુનિ.દ્વારા જમીન ફાળવી
કોન્ટ્રાકટર પાસેથી અમુક ટકા પેવરબ્લોક ખરીદવા નિર્ણય કરાયો હતો.ઉપરાંત
મ્યુનિ.કોન્ટ્રાકટરને રીસાયકલ પ્લાન્ટ
માટે ચોકકસ રકમ પણ ચૂકવે છે.આ પ્લાન્ટ કેવો ચાલે છે, તેમાં કેટલો કાટમાળ આવે છે તેમાંથી કેટલાનુ રીસાયકલીંગ
કરવામાં આવે છે જેવા સવાલોનો મ્યુનિ.ના સત્તાધીશો પાસે કોઈ જવાબ નથી.પિરાણા ખાતે
કાટમાળ રીસાયકલ કરવા વધુ એક પ્લાન્ટ મ્યુનિ.ના ખર્ચે અને જોખમે ઉભો કરી ખાનગી
કોન્ટ્રાકટરને ખટાવવા આ નિર્ણય કરાયો છે.એક ચર્ચા એવી પણ ચાલે છે કે, એક નેતાની
ભાગીદારી ધરાવતા કોન્ટ્રાકટર માટે મ્યુનિ.સત્તાધીશો આ બિનજરુરી ખર્ચ કરવા માટે
તૈયાર થયા છે.