અમદાવાદ,શુક્રવાર
શેરબજારમાં રોકાણ કરવાના બદલામાં અનેકગણો નફો આપવાની લાલચમાં અમદાવાદના એક તબીબે રૂપિયા ૧.૧૦ કરોડ જેટલી માતબર રકમ ગુમાવી હોવાની ઘટના સામે આવી છે. ગઠિયાએ તબીબને રોકાણની સામેનો નફો આપવાની સામે કુલ રકમના ૨૦ ટકા પ્રોસેસીંગ ફી માંગી ત્યારે તબીબને છેતરપિંડી થયાની જાણ થઇ હતી. આ અંગે સાયબર ક્રાઇમે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
શહેરના વસ્ત્રાલમાં આવેલા સનવિલા બંગ્લોઝમાં રહેતા ડૉ.પ્રકાશભાઇ દિવાનને ગત જાન્યુઆરી ૨૦૨૪માં ફેસબુક પર એક જાહેરાત જોઇ હતી. જેમાં તેમને શેરબજારની ટીપ આપવાની ઓફર હતી. જેથી તેમણે જાહેરાત પર ક્લીક કરીને વોટ્સએપ ગુ્રપ જોઇન કર્યું હતું. ત્યારબાદ એકાઉન્ટમાં લોગ ઇન કરીને નાણાંનું રોકાણ કર્યું હતું. જેની સામે ૧૦ હજારનો નફો આપ્યો હતો. જેથી તેમને વિશ્વાસ આવ્યો હતો. ત્યારબાદ તેમણે અલગ અલગ સમયે કુલ ૧.૧૦ કરોડનું રોકાણ કર્યું હતું. જેની સામે તેમણે નફો વિથડ્રો કરવા કરવા માટેનું કહેતા તેમને કહેવામાં આવ્યું હતું કે નફો જોઇતો હોય તો કુલ નફાની રકમના ૨૦ ટકા પ્રોસેસીંગ ફી ભરવા માટે કહ્યુ હતું. જો કે તબીબે આ મામલે વાંધો લેતા તેમને વોટ્સએપ ગુ્રપમાંથી રીમુવ કર્યા હતા. જેથી તબીબને છેતરપિંડી થયાની જાણ થતા આ અંગે સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવતા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.