Nursing Student: ધોરણ 12 સાયન્સ પછીના બોર્ડ પરિણામ આધારિત (નીટ સિવાયના) પેરામેડિકલ કોર્સમાં પ્રવેશ માટેની રાજ્ય સરકારની ઓનલાઇન કેન્દ્રિય પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત ચોથા રાઉન્ડનું સીટ એલોટમેન્ટ આજે કરી દેવાયું છે. જેમાં એલોટમેન્ટ બાદ પણ હજુ 27,538 બેઠકો ખાલી રહી છે અને તે આટલા વર્ષોમાં રૅકોડબ્રેક છે. પહેલીવાર ચાર રાઉન્ડ બાદ પણ 27 હજારથી વઘુ બેઠકો ખાલી રહી છે.
ચાર રાઉન્ડ બાદ પણ 15 હજાર વિદ્યાર્થીએ માંડ પ્રવેશ લીધો
ધો.12 સાયન્સ પછીના બીએસસી નર્સિંગ, ઓક્ઝિલરી નર્સિંગ, જનરલ નર્સિંગ, ફીઝિયોથેરાપી, ઓપ્ટોમેટ્રી, ઓર્થોટિક્સ, સ્પીચ થેરાપી ઍન્ડ ઓડિયોલૉજી, નેચરોપેથી અને ઓક્યુપેશનલ થેરાપી સહિતના 9 પેરમેડિકલ કોર્સમાં સરકારી અને ખાનગી સહિતની 1048 જેટલી કૉલેજો રાજ્યમાં છે. જેમાંથી ચાર રાઉન્ડ સુધીની પ્રક્રિયામાં 897 કૉલેજોને મંજૂરી મળી છે.
ખાલી બેઠકોમાં હજારો સીટોનો વધારો થશે!
ચોથા રાઉન્ડના સીટ એલોટમેન્ટમાં 897 કૉલેજોની 42549 બેઠકોમાંથી 15011 બેઠકો પર જ પ્રવેશ થયા છે. જ્યારે હજુ પણ 27,538 બેઠકો ખાલી રહી છે. હજુ પણ 140થી વઘુ કૉલેજોની 7 હજારથી વઘુ બેઠકો મંજૂરી વગરની છે. ઉપરાંત 70થી 80 જેટલી નવી કૉલેજોની મંજૂરી પણ પેન્ડિંગ છે. જો બાકી કૉલેજોને રિન્યુલ પરમિશન અને નવી કૉલેજોને મંજૂરી 30મી નવેમ્બર પહેલા મળી જશે તો ખાલી બેઠકોમાં હજુ પણ હજારો સીટોનો વધારો થશે.
આ પણ વાંચો: ગુજરાતમાં હાલ દિવસની બે સિગારેટ પીવા જેટલું પ્રદૂષણ, સુરતની હવા સૌથી પ્રદૂષિત
ચોથા રાઉન્ડના સીટ એલોટમેન્ટ બાદ ઓક્ઝિલરી નર્સિંગમાં 6622, ઓડિયોલૉજીમાં 19, નેચરોપેથીમાં 9, ઓપ્ટોમેટ્રીમાં 302, ફીઝિયોથેરપીમાં 2930, બીએસસી નર્સિંગમાં 7362 અને જનરલ નર્સિંગમાં 27538 બેઠકો ખાલી છે. આમ માત્ર નર્સિંગમાં જ 24 હજારથી વઘુ બેઠકો ખાલી છે. જ્યારે ચાર રાઉન્ડના એલોટમેન્ટના અંતે માંડ 15011 વિદ્યાર્થીએ પ્રવેશ લીધો હોવાથી મેરિટમાં સમાવિષ્ટ 40 હજાર જેટલા વિદ્યાર્થીઓમાંથી 25 હજાર જેટલા વિદ્યાર્થીએ પ્રવેશ લીધો જ નથી. એલોટમેન્ટ બાદ વિદ્યાર્થીએ 22મી સુધીમાં ઓનલાઇન ફી ભરી અને 23મી સુધીમાં હેલ્પ સેન્ટરમાં રિપોર્ટિંગ કરાવી પ્રવેશ કન્ફર્મ કરવાનો રહેશે.