અમદાવાદ,ગુરુવાર,14 નવેમ્બર,2024
અમદાવાદના જાહેર રસ્તા ઉપર પાન-મસાલા ખાઈ ગંદકી કરનારાઓના
ફોટા સાથે તેમના ધરે ઈ-મેમો મોકલી પેનલ્ટી વસૂલ કરવા મ્યુનિસિપલ તંત્રે નિર્ણય
કર્યો છે.શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા સી.સી.ટી.વી.કેમેરાનો ઉપયોગ કરી રોડ ઉપર થૂંકીને ગંદકી કરનારા વ્યકિતનો વિડીયો
બનાવી સોશિયલ મિડીયામાં વાઈરલ કરાશે.
સ્વચ્છતા સર્વેક્ષણ -૨૦૨૪ અંતર્ગત અમદાવાદમાં આગામી સમયમાં કેન્દ્રની
ટીમ દ્વારા સર્વેક્ષણ હાથ ધરવામાં આવનાર છે. સર્વેક્ષણ દરમિયાન શહેરને વધુ માર્કસ મળે
એ પ્રકારની કામગીરી કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.દરમિયાન
શહેરના વિવિધ વિસ્તારમાં સ્માર્ટસિટી કમાન્ડ કંટ્રોલ સેન્ટર સાથે કનેકટિવીટી ધરાવતા
સી.સી.ટી.વી.કેમેરા લગાવવામાં આવેલા છે. આ કેમેરાનો ઉપયોગ કરી જાહેર રસ્તા ઉપર પાન-મસાલા
ખાઈને ગંદકી કરનારાઓના ફોટા સાથેના ઈ-મેમો તેમના ઘરે મોકલી પેનલ્ટી વસૂલવામાં આવશે.સ્ટેન્ડિંગ
કમિટી ચેરમેન દેવાંગ દાણીએ કહયુ,
શહેરને વધુ સ્વચ્છ બનાવવાની દિશામાં રોડ ઉપર થૂંકી ગંદકી કરનારા વ્યકિત પાસેથી
રુપિયા સો સુધીની પેનલ્ટી વસૂલ કરાશે.
પાંચ મહીનામાં બે હજારથી વધુ લોકોને ઈ-મેમો મોકલાયા
અમદાવાદના વિવિધ જાહેર રસ્તા ઉપર પાન-મસાલા ખાઈ રોડ ઉપર
ગંદકી કરનારા બે હજારથી વધુ લોકોના ઘેર
પાંચ મહિનામાં ઈ-મેમો મોકલવામાં આવ્યા છે. વર્ષ-૨૦૨૩માં ૨૭૫૦થી વધુ લોકોના ઘેર
ઈ-મેમો મોકલવામાં આવ્યા હતા.