Padma Awards 2025 Gujarat: પ્રજાસત્તાક દિવસ(ગણતંત્ર દિન) પૂર્વે કેન્દ્ર સરકારે આજે શનિવારે(25 જાન્યુઆરી) પદ્મ પુરસ્કારો 2025ના વિજેતાઓના નામની જાહેરાત કરવામાં આવી. આ યાદીમાં અનેક નામી-અનામી પદ્મ પુરસ્કાર વિજેતાઓ છે. જેમાં ગુજરાતની આઠ પ્રતિભાઓને તેમના વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ પદ્મ, પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણ પુરસ્કારોથી સન્માનિત કરાશે.
પદ્મશ્રી ઍવૉર્ડથી સન્માનિત પ્રતિભાઓ
– ચંદ્રકાંત શેઠ (મરણોત્તર) – સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે
– તુષાર દુર્ગેશભાઈ શુક્લા – સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે
– ચંદ્રકાંત સોમપુરા – અન્ય – સ્થાપત્ય ક્ષેત્રે
– પરમાર લવજીભાઈ નાગજીભાઈ – કલા ક્ષેત્રે
– રતન કુમાર પરીમુ – કલા ક્ષેત્રે
– સુરેશ હરિલાલ સોની – સામાજિક સેવા ક્ષેત્રે (હેલ્થ કેર)
જ્યારે વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ યોગદાન આપનાર પંકજ પટેલને પદ્મ ભૂષણ અને કુમુદિની લાખિયાને તેમના કલા ક્ષેત્રે અમૂલ્ય યોગદાન બદલ પદ્મ વિભૂષણ ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.
139 હસ્તીઓને પદ્મ એવૉર્ડ
પદ્મ પુરસ્કારો 2025ના વિજેતાઓના નામની જાહેરાત કરાઈ છે. જેમાં અનેક નામી-અનામી પદ્મ પુરસ્કાર વિજેતાઓ છે. શારદા સિન્હા, ઓસામુ સુઝુકી સહિત 7 હસ્તીઓને પદ્મ વિભૂષણ સન્માન આપવામાં આવ્યું છે. જ્યારે પંકજ ઉધાસ અને સુશીલ મોદી સહિત 19 હસ્તીઓને પદ્મ ભૂષણ સન્માન અપાયું છે. આ સિવાય 113 હસ્તીઓને આ વખતે પદ્મ શ્રી એવૉર્ડથી સન્માનત કરાશે, જેના નામોની જાહેરાત કરી દેવાઈ છે. આમ, કુલ 139 હસ્તીઓને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનોથી સન્માનિત કરાશે.
આ પણ વાંચો: અરિજીત સિંહ, પંકજ ઉધાસ સહિતના અનેક સિતારાઓને પદ્મ શ્રી પુરસ્કાર
દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનોમાંથી એક પદ્મ પુરસ્કાર ત્રણ શ્રેણીઓમાં આપવામાં આવે છે. જેમાં પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી સામેલ છે. આ પુરસ્કાર કલા, સામાજિક કાર્ય, સાર્વજનિક કિસ્સા, વિજ્ઞાન, એન્જિનિયરિંગ, વેપાર, ઉદ્યોગ, ચિકિત્સા, સાહિત્ય, શિક્ષણ, રમત અને સિવિલ સેવા જેવા વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કાર્ય કરનારાઓને માન્યતા આપે છે.