અમદાવાદ,રવિવાર
શહેરના સોલામાં આવેલી શુકન મોલમાં આવેલી એક ઓફિસમાં પીસીબીના સ્ટાફે દરોડો પાડીને આઇપીએલ પર સટ્ટો રમાડતા બુકીને ઝડપી લીધો હતો. બુકીની પ્રાથમિક તપાસમાં ચોંકાનવારો ખુલાસો થયો હતો કે તેણે કુખ્યાત બુકી ટોમી ઉંઝા પાસેથી ૧.૧૦ કરોડમાં માસ્ટર આઇડી લીધું હતું. બાદમાં માસ્ટર આઇડીને આધારે અન્ય નાના મોટા બુકીઓને પેટા આઇડી પાંચ લાખ થી દશ લાખમાં આપતો હતો. આમ, આઇપીએલના ક્રિકેટ સટ્ટામાં ટોમી ઉંઝા નામના બુકીનું નામ સામે આવતા પોલીસની સાથે ગુજરાતની અન્ય એજન્સી પણ સતર્ક થઇ ગઇ છે.
પીસીબીના પીઆઇ જે પી જાડેજાને બાતમી મળી હતી કે સોલામાં આવેલા શુકન ચાર રસ્તા સ્થિત શુકન મોલમા ્ન્યુ બાબા ઇન્ફોટેક નામની ઓફિસ ધરાવતો ઉત્કર્ષ પટેલ ( ઓમ રેસીડેન્સી,ન્યુ રાણીપ) આઇપીએલ પર મોટા પ્રમાણમાં સટ્ટો બુક કરે છે. જે બાતમીના આધારે પોલીસે શનિવારે સાંજે દરોડો પાડીને ઉત્કર્ષ પટેલના મોબાઇલ ફોનમાં તપાસ કરતા રાધે એક્સચેંજ નામની આઇડી મળી આવ્યું હતું. જેમાં ૩૦ લાખનું બેલેન્સ જોવા હતુ. આ અંગે ઉત્કર્ષ પટેલની પુછપરછ કરતા તેણે ચોંકાવનારી કબુલાત કરી હતી કે ટોમી ઉંઝા નામના બુકી પાસે રૂપિયા ૧.૧૦ કરોડમાં રાઘે એક્સચેંજનું માસ્ટર આઇડી લીધુ હતું. આ આઇડીથી તેણે ધવલ પટેલ ઉર્ફે રાજુ પટેલને સટ્ટો રમવા માટે ૫૦ લાખ લઇ આઇડી આપ્યું હતું. આ ઉપરાંત, અન્ય બુકીઓ પાસેથી નાણાં લઇને આઇડી બનાવીને આઇપીએલ પરનો સટ્ટો રમાડતો હતો. પોલીસને સટ્ટો બુક કરાવનાર કેટલાંક સટ્ટોડિયાઓ નામ પણ પોલીસને જાણ મળ્યું છે. આ ઉપરાંત, રોશન પટેલ નામના બુકીનું પણ નામ તપાસમાં સામે આવ્યું છે. આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.