અમદાવાદ, રવિવાર
સરખેજ-મકરબા રોડ પર આવેલા મહંમદપુરામાં પીસીબીએ શનિવારે ગેરકાયદે ચાલતા હુક્કાબાર પર દરોડો પાડીને મોટાપ્રમાણમાં નિકોટીન વાળી હુક્કાની ફ્લેવર, હુક્કા, ચીલમ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પ્રાથમકિ તપાસમા જાણવા મળ્યું હતુ કે ગાંઘીનગરમાં રહેતો દિવ્યરાજસિંહ નામનો વ્યક્તિ આ હુક્કાબારનો સંચાલક હતો. જ્યારે આમીર ફિરોઝ પઠાણ નામનો .યુવક મેનેજર તરીકે કામ કરતો હતો. પીસીબીના પીઆઇ જે પી જાડેજાને બાતમી મળી હતી કે સરખેજ- મકરબા મહંમદપુરા રોડ પર આવેલા બ્રુ રોસ્ટ નામના કાફેમાં બહારથી લોકોને બોલાવીને તેમને હુક્કાની વ્યવસ્થા પુરી પાડવાંમાં આવે છે. જેના આધારે પોલીસે દરોડો પાડતા નાસભાગ મચી ગઇ હતી. પોલીસે સ્થળ પર 41 જેટલી નિકોટીન ફ્લેવર, 30 હુક્કા, ફોઇલ, ચીલમ, હુક્કા પાઇપ, ફીલ્ટર સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ અંગે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.