અમદાવાદ, શુક્રવાર
વટવામાં શ્યામા પ્રસાદ મુખર્જીનગર ચાર માળિયા મકાન પાસેથી પોલીસે રૃા. ૩૬ હજારના એમડી ડ્રગ્સ સાથે એક શખ્સને ઝડપી પાડયો છે. આરોપી બાપુનગરની મહિલા પાસેથી છુટકમાં લાવીને પડીકી બનાવીને વેચાણ કરવા આવ્યો હોવાનું બહાર આવ્યું હતું. આ બનાવ અંગે વટવા પોલીસે શખ્સની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
વહેલી સવારે પોલીસે કારમાં આવેલા શખ્સને પકડીને તલાસી લેતા માચીસની પેટીમાંથી ૩.૬૦૦ મીલી ડ્રગ્સ પકડયું ઃ પોલીસે ૩.૨૮ લાખનો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધ્યો
વટવામાં ઝોન-૬ એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી તે સમયે ચોક્કસ બાતમી મળી હતી કે શ્યામા પ્રસાદ મુખર્જીનગર ચાર માળીયા પાસે એક શખ્સ કારમાં ડ્રગ્સ લઇને વેચવા આવવાનો છે આ પ્રમાણેની બાતમી આધારે પોલીસે વોચ ગોઠવી હતી. જેમાં એક શંકાસ્પદ કાર આવતા કારને રોકીને ડ્રાઇવરને ઉતારીને તેની પૂછપરછ કરતા મોહમદ વસીમ શેખ વટવામાં રહેતો હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસે કાર તપાસ કરતાં તેમાંથી રૃા. ૩૬ હજારનું ૩.૬૦૦ મીલીગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. જેથી પોલીસે ડ્રગ્સ, કાર, મોબાઇલ સહિત કુલ રૃા. ૩.૨૮ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ આરોપીની પૂછપરછ કરતા બાપુનગર સ્ટેડિયમની પાસે એક મહિલા પાસેથી ડ્રગ્સ લાવ્યો હતો અને છુટક વેચાણ કરતો હતો. જેથી વટવા પોલીસે બંને સામે ગુનો નાંેધીને વસીમની ધરપકડ કરીને મહિલાની શોધખોળ હાથ ધરી છે.