અમદાવાદ, બુધવાર
ખ્યાતિ હોસ્પિટલ કાંડની તપાસમાં પોલીસને ગેરકાયદેસર રીતે આયુષ્યમાન કાર્ડ તૈયાર કરતી ગેંગની વિગતો મળી હતી. જેના આધારે ખ્યાતિ હોસ્પિટલના કાર્તિક પટેલ, ચિરાગ રાજપુત અને હોસ્પિટલમાં પીએમજેએવાય વિભાગમાં કામ કરતા કર્મચારી તેમજ આયુષ્યમાન કાર્ડનું ડીજીટલ કામ સંભાળતી એજન્સીના હેડ સહિત ૧૦ લોકો વિરૂદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. જો કે ખ્યાતિ હોસ્પિટલ કાડની તપાસમાં સમગ્ર મામલો સામે આવી જવાના ડરથી આરોપીઓએ આયુષ્યમાન કાર્ડ કૌભાંડ સહિત કેસને લગતા અનેક મહત્વના પુરાવાનો નાશ કર્યાની વિગતો પોલીસને મળી છે.
ખ્યાતિ હોસ્પિટલકાંડની તપાસમાં પોલીસને ત્રણ હજાર જેટલા આયુષ્યમાન કાર્ડ ગેરકાયદેસર રીતે તૈયાર કરાયાનો સૌથી મોટો ખુલાસો થતા સમગ્ર કેસમાં નવો વળાંક આવ્યો છે. જે અંગે પોલીસે સમગ્ર ગુજરાતમાં પીએમજેએવાયમાં આયુષ્યમાન કાર્ડનું ડીજીટલ મેન્ટેનન્સનું કામ સંભાળતી કંપની એન્સેર કોમ્યુનિકેશના હેડ નિખિલ પારેખે સરકારી વેબસાઇટમાં લોગઇન આઇડી ભાડે આપ્યું હતું. આ વિગતો ખ્યાતિ હોસ્પિટલમાં પીએમજેએવાય ડેસ્ક પર કામ કરતા મેહુલ પટેલની પુછપરછ કરતા બહાર આવી હતી અને ગેરકાયદેસર રીતે કામ કરતા એજન્ટોની સંડોવણી સામે આવી હતી. અમદાવાદ ક્રાઇમબ્રાંચે આરોપી પાસેથી જપ્ત કરેલા મોબાઇલ ફોન, લેપટોપ અને અન્ય ગેઝેટ્સ જપ્ત કર્યા છે. જેેમાંથી આરોપીઓએ અનેક મહત્વના પુરાવા ડીલીટ કર્યાની શક્યતા છે. ખાસ કરીને ખ્યાતિ હોસ્પિટલની પીએમજેએવાય પરના ડેસ્ક પર કામ કરતા મેહુલ પટેલે પણ અનેક મહત્વના ડેટા ડીલીટ કર્યા હોવાનું જાણવા મળ્યું છે. આ તમામ ડેટા રીકવર કરવા માટે લેપટોપ, મોબાઇલ ફોન સહિતના ગેટેઝ્સ ફોરેન્સીક લેબમાં આપવામાં આવશે.