Pradhan Mantri Jan Arogya Yojana: ગરીબ દર્દીઓ માટે અતિ ઉપયોગી પીએમજેવાયએ યોજના ડોક્ટરો-ખાનગી હોસ્પિટલના માલિકો-સંચાલકો માટે કમાણીની યોજના બની રહી છે. તેનું કારણ એ છેકે, પીએમજેવાયએ યોજનાના માધ્યમથી ખુદ સરકારે જ ગરીબ દર્દીઓની સારવારના નામે ખાનગી હોસ્પિટલોને કરોડો રૂપિયાની લ્હાણી કરી છે. પીએમજેવાયએ યોજના હેઠળ સરકારી હોસ્પિટલની સરખામણીમાં ખાનગી-કોર્પોરેટ હોસ્પિટલોને રાજ્ય સરકારે છ ગણાં વધુ નાણાં ચૂકવ્યાં છે જેથી મળતિયા હોસ્પિટલ માલિકો-સંચાલકો માલામાલ થયા છે.
ગરીબ દર્દીઓની સેવાના નામે મેવા કમાવવાની કરતૂત
ગરીબ દર્દીઓને ખાનગી-કોર્પોરેટ હોસ્પિટલમાં સારી તબીબી સારવાર મળી રહે તેવા ઉમદા હેતુની પીએમજેવાયએ યોજના આજે શંકાના ઘેરામાં આવી ગઈ છે. કારણ કે, ડોક્ટરો-હોસ્પિટલ માલિકો બેફામ બની ગેરરીતી આચરી રહ્યા છે. ગરીબ દર્દીઓની સેવાના નામે મેવા કમાવવા અવનવા કરતૂત કરવામાં આવી રહ્યાં છે.
આ પણ વાંચો: ગુજરાતમાં અંદાજે 10000થી વધુ ગેરકાયદે લેબોરેટરી ધમધમે છે, રોગ નિદાનમાં લોલમલોલ
કેન્દ્ર-રાજ્ય સરકાર પીએમજેવાયએ યોજના અંતર્ગત કરોડો રૂપિયા ફાળવે છે. પરંતુ હોસ્પિટલના સંચાલકો અને આરોગ્ય વિભાગના ભ્રષ્ટ અધિકારીઓના મેળાપિપણાને કારણે આ યોજના થકી મોટી કટકી થઇ રહી છે.
છેલ્લાં પાંચેક વર્ષમાં ખાનગી-કોર્પોરેટ હોસ્પિટલો કરોડો રૂપિયા ચૂકવ્યાં
ખુદ આરોગ્ય વિભાગ જ ખાનગી હોસ્પિટલને પ્રોત્સાહન જ નહીં, મોકળુ મેદાન પુરુ પાડી રહી છે. વર્ષ 2018થી માંડીને વર્ષ 2022 સુધી રાજ્યની સરકારી હોસ્પિટલ કરતાં ખાનગી હોસ્પિટલમાં છ ગણાં નાણાં ચૂકવાયા છે. પીએમજેવાયએ યોજના હેઠળ સરકારી હોસ્પિટલોને માત્ર 506 કરોડ રૂપિયા ચૂકવાયા છે. જ્યારે ખાનગી-કોર્પોરેટ હોસ્પિટલોને 2884 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ ચૂકવવામાં આવી છે. આ પરથી એ વાત સ્પષ્ટ થઇ છે કે, રાજ્ય સરકારના ખાનગી હોસ્પિટલો પર ચાર હાથ છે.
સવાલ છે કે, લાખો-કરોડો રૂપિયા ચૂકવાય છે પણ દર્દીની કેવી સારવાર કરાઇ છે? ક્યા પ્રકારની સર્જરી-પ્રોસિજર કરાઇ છે? મેડિકલ ક્ષેત્રના નિયમો આધારે દર્દીની સારવાર કરાઇ છે? હોસ્પિટલ દ્વારા કલેઇમ કરાયો છે તેની સત્યતા કેટલાં અંશે સાચી છે? આ બધુ કોઇ જોનાર નથી. આરોગ્ય વિભાગના ભ્રષ્ટ અધિકારી મળતિયા સંચાલકો પાસેથી મસમોટુ કમિશન આધારે ક્લેઈમ પાસ કરી દે છે. આમ ગરીબ દર્દીઓની સારવાર પાછળ કરોડો રૂપિયા ચૂકવ્યા પછીય આરોગ્ય વિભાગને બદનામ થવુ પડ્યું છે. કારણ કે, પીએમજેવાયએ યોજના ડોક્ટરો-હોસ્પિટલ માલિકો માટે કમાણીની યોજના બની રહી છે.
5-10 ટકા કમિશન મેળવે તોય આરોગ્ય અધિકારી લાખો મેળવે
દર્દીઓની સારવાર માટે પીએમજેવાયએ યોજનામાં લાખો કરોડો રૂપિયા હોસ્પિટલને ચૂકવવામાં આવે છે. દર વર્ષે કેન્દ્ર અને રાજ્ય સરકાર કરોડો રૂપિયા ગ્રાન્ટ ગુજરાત આરોગ્ય વિભાગને ફાળવે છે. કરોડો રૂપિયા ગ્રાન્ટ મળતી હોય ત્યારે માત્ર 5-10 ટકા કમિશન ગણો તોય ભ્રષ્ટ આરોગ્ય અધિકારીઓને બખ્ખાં થઈ જાય. એટલુ જ નહીં, લાખો રૂપિયા મેળવી લે. અત્યારે તો આરોગ્ય વિભાગે બધુ ઠીકરુ ડોક્ટર-હોસ્પિટલના માલિકોના માથે ફોડ્યું છે. હકીકતમાં આરોગ્ય વિભાગના ભ્રષ્ટ અધિકારીઓના મેળાપિપણા વિના આ કૌભાંડ શક્ય જ નથી. હવે પગતળે રેલો આવ્યો છે ત્યારે બધા શાહુકાર બની રહ્યાં છે.
ચાલુ વર્ષે આરોગ્ય વિભાગે સ્વછરૂ માટે 3110 કરોડ રૂપિયા ફાળવ્યાં
ચાલુ વર્ષે રાજ્ય સરકારે વર્ષ 2024-25માં પીએમજેવાયએ યોજના માટે 3110 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત ગુજરાતમાં હાલ 2513 ખાનગી-સરકારી હોસ્પિટલો 10 લાખ રૂપિયા સુધી કેશલેસ સારવાર આપી રહી છે.
રાજ્ય આરોગ્ય વિભાગના ભ્રષ્ટ અધિકારીઓ હોસ્પિટલ માલિકો સાથે સાઠગાંઠ કરીને આ યોજના હેઠળ ધૂમ ગેરરીતીઓ આચરી રહ્યાં છે. આ જ આરોગ્ય વિભાગના અધિકારીઓ કમિશન ખાતર હોસ્પિટલના કરતૂતો ઢાંકી રહ્યા છે. વાસ્તવમાં દર્દીઓના જીવ સાથે ચેડાં આચરતાં ડોક્ટરો -હોસ્પિટલ માલિકો પર કડક કાર્યવાહી કરે તો આવુ કૌભાંડ થાય જ નહી. પણ આ તો આવ ભાઇ હરખાં, આપણે બેઉ સરખા જેવો ઘાટ સર્જાયો છે.