(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,બુધવાર
ગુજરાત વિધાનસભામાં અને કેન્દ્રની સંસદમાં ગુજરાત સરકારના માથે પરના દેવા અંગે રજૂ કરવામાં આવતા આંકડાઓમાં જમીન આસમાનનો તફાવત હોવાથી ગુજરાત સરકાર જાહેર દેવાને મુદ્દે ગુજરાત વિધાનસભા અને ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરી રહી હોવાનો નિર્દેશ મળી રહ્યો છે.
૨૦૨૩-૨૪ના અંતે ગુજરાત સરકારે દર્શાવેલા આંકડા પ્રમાણે ગુજરાત સરકારનું જાહેર દેવું રૃા. ૩,૭૭,૯૬૨ કરોડનું છે. તેની સામે દેશની સંસદમાં પાચમી ફેબુ્રઆરી ૨૦૨૪ના રજૂ કરવામાં આવેલા આંકડાઓ મુજબ ગુજરાત સરકારના માથા પરનું જાહેર દેવું રૃ. ૪,૬૭,૪૬૪.૪૦ કરોડનું હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. આમ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારે ગુજરાતના માથા પરના દેવા અંગે દર્શાવેલા આંકડાંમાં જમીન આસમાનનો તફાવત છે, ગુજરાત વિધાનસભાના કોન્ગ્રેસના નેતા શૈલેશ પરમારે આજે ગુજરાત વિધાનસભામાં બજેટ અંગેની ચર્ચા દરમિયાન બોલતા જણાવ્યું હતું. આ આંકડાંઓ વચ્ચેના તફાવત અંગે ગુજરાતના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ વહેલામાં વહેલી સ્પષ્ટતા કરવી જરૃરી છે.
ગુજરાત સરકારનું જાહેર દેવું ૨૦૨૩-૨૪માં રુ. ૩,૭૭,૯૬ કરોડનું હતું. તેની સામે ૨૦૨૫-૨૬ના વર્ષમાં જાહેર દેવું વધીને રૃા. ૪,૫૫,૫૩૭ કરોડનો અંદાજ આપવામાં આવ્યો છે. આમ છેલ્લા બે વર્ષમાં ગુજરાત સરકારે તેના દેવામાં રોજના રૃા. ૧૦૬.૨૬ કરોડનો વધારો કર્યો છે. આ દેવાનું વ્યાજ ચૂકવવા માટે રોજના ગુજરાત સરકાર રૃા. ૬૮.૮૨ કરોડ ખર્ચી રહી છે. ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ્સના મૂલ્ય સાથે જાહેર દેવાની ટકાવારી કાઢવામાં આવે તો તે ૧૪.૯૬ ટકાની આસપાસની છે. ગુજરાત સરકારે ૨૦૨૪.-૨૫ના વર્ષમાં રૃા. ૭૬૦૦૦ કરોડનું નવું દેવું લીધું છે. ગુજરાતના એક નાગરિકને માથે અંદાજે રૃા. ૨,૫૯,૩૦૮ કરોડનું દેવું છે. આમ ગુજરાત સરકારની રૃા.૧ની આવકમાંથી ૮.૮૩ પૈસા તો રાજ્યના દેવા પરના વ્યાજની ચૂકવણી કરવામાં જ ખર્ચાઈ જાય છે.
– ગુજરાત સરકાર જાહેર દેવાની બાબતમાં કંઈક છુપાવી રહી હોવાની આશંકા વધી રહી છે
– જાહેર દેવાના વ્યાજ પેટે ગુજરાત સરકાર રોજના રૃા.૬૮.૮૨ કરોડનું વ્યાજ ચૂકવે છે