Rain in Gujarat : ગુજરાતના કેટલાક જિલ્લામાં ભર શિયાળે ગઈ કાલે ગુરુવારે કમોસમી વરસાદ પડ્યો હતો. રાજ્યમાં ઠંડીના ચમકારા વચ્ચે હવામાન વિભાગે આવતી કાલ શનિવાર સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. જ્યારે 29 ડિસેમ્બરથી 03 જાન્યુઆરી સુધી રાજ્યમાં શુષ્ક હવામાનની શક્યતા છે. આ દરમિયાન આજે શુક્રવારે સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠાના સહિતના જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો હતો. રાજ્યમાં માવઠું પડતા ખેડૂતોમાં પાક નુકસાનીનો ભય વર્તાય રહ્યો છે.
રાજ્યમાં કમોસમી વરસાદ, ખેડૂતોમાં ચિંતા
હવામાન વિભાગે ગઈ કાલથી ત્રણ દિવસ દરમિયાન રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ અને કરા પડવાની આગાહી કરી હતી. તેવામાં રાજ્યમાં ગઈ કાલ રાતથી અમદાવાદ સહિતના જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો હતો. આજે 27 ડિસેમ્બરે વહેલી સવારથી ઉત્તર ગુજરાત સહિતના જિલ્લામાં ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. જ્યારે અમુક જિલ્લામાં માવઠું પડતા ખેડૂતોના પાકને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.
આવતી કાલે આ ચાર જિલ્લામાં વરસાદની આગાહી
28 ડિસેમ્બરના રોજ રાજ્યના ચાર જિલ્લામાં વરસાદની આગાહી છે. જેમાં છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
અરવલ્લીના અનેક વિસ્તારમાં માવઠું
હવામાન વિભાગે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં કરા પડવાની સાથે વરસાદ થવાની શક્યતા જણાવી હતી, ત્યારે આજે 27 ડિસેમ્બરે અરવલ્લી જિલ્લાના બેડજ, કુંભેરા, રામગઢી, માલપુર, મેઘરજ પંથક, ભિલોડાના સુનોખ સહિતના વિસ્તારોમાં માવઠું પડ્યું હતું. જેને લઈને ખેડૂતોની ચિંતા વધી છે.
જ્યારે સાબરકાંઠાના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો હતો. ગાજવીજ સાથે વરસાદ પડતા કપાસ, શાકભાજી સહિતના પાકને નુકસાન થયું હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું.
બનાસકાંઠામાં કમોસમી વરસાદ, ખેડૂતોના પાકને નુકસાન
બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદને પગલે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું. દાંતીવાડા પાંથાવાડા, દાંતા, ઈકબાલગઢ, ડીસા સહિતના વિસ્તારોમાં સારો એવો વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદ પડતા ખેડૂતોના એરંડા, બટાકા, જીરું, ઈસબગુલ, ઘઉં સહિતના પાકને નુકસાન થયાની ભીતિ વર્તાઈ રહી છે.
કમોસમી વરસાદ અંગે પરેશ ગોસ્વામીએ શું કહ્યું?
હવામાનને લઈને પરેશ ગોસ્વામીએ જણાવ્યા હતું કે, પશ્ચિમી વિક્ષોપ ઉત્તરના પર્વતીય પ્રદેશો પરથી પસાઈ થઈ રહ્યાં છે. તેવામાં હાલ દક્ષિણ ભારતમાં ઈશાનનું ચોમાસું ચાલી રહ્યું છે. બીજી તરફ, રાજસ્થાનના ઉત્તર-મધ્ય ભાગમાં સક્રિય થયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને બંગાળની ખાડી તરફથી ભેજ મળી રહેતા વધુ મજબૂત થયું છે. જેની અસર ગુજરાતના કેટલાક જિલ્લામાં થઈ રહી હોવાથી રાજ્યના જિલ્લામાં માવઠું પડી રહ્યું છે. જ્યારે 29 ડિસેમ્બરથી વાતાવરણમાં બદલાવ આવશે અને શિયાળાની સૌથી વધુ ઠંડી 31 ડિસેમ્બરમાં પડી શકે છે.