અમદાવાદ, સોમવાર
અમદુપુરા વિસ્તારમાં પતિએ બાળકોની માંગણી કરતાં પત્નીએ આપવાની ના પાડતા ગળાના ભાગે છરીના ઘા મારીને ભાગી ગયો હતો. પોલીસ તપાસમાં ગૃહકલેશના કારણે પત્ની ત્રણ બાળકોને લઇને પિયરમાં રહેવા આવી હતી. આ બનાવ અંગે શહેરકોટડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અમદુપુરા ખાતે મહિલા ત્રણ બાળકોને લઇ ચાલતી ચામુંડા માતાના મંદિરે આવી હતી અચાનક પતિએ આવીને હુમલો કર્યો ઃ શહેરકોટડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
શાહપુરમાં રહેતી મહિલાએ શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ઓઢવમાં રહેતા પતિ સામે ફરિયાદ નોંધાવી છે કે આઠ વર્ષ પહેલા લગ્ન થયા હતા તેમને ત્રણ સંતાન હતા, જ્યારે પતિ અને પત્ની વચ્ચે ત્રણ વર્ષથી ગૃહ કલેશ ચાલતો હતો. જેથી મહિલા બાળકોને લઇને અસારવામાં પિયરમાં રહેતી હતી. ગઇકાલે બાળકોને લઇને માતાના ઘરે મળવા ગઇ હતી. ત્યારબાદે ચામુંડાબ્રિજ ક્રોસિંગ પાસે મિત્ર પાસેથી ઉછીના લીધેલ રૃપિયા આપવા ગઇ હતી. ત્યાંથી ઘરે જવા નીકળી ત્યાં જ પતિએ આવીને બાળકોની માંગણી કરી હતી જો કે મહિલાએ બાળકો આપવાની ના પાડી હતી.
જેથી પતિએ ઉશ્કેરાઇને ગાળો બોલીને ઝઘડો કરીને માર મારીને ગળાનાભાગે છરીના ઘા માર્યા હતા, બુમાબુમ થતા આસપાસના લોકો આવી જતા પતિ ત્યાંથી ભાગી ગયો હતો. ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી.