જીવદયા પ્રેમીઓએ ટ્રકનો ચિલોડાથી પીછો કરી ઘેવર કોમ્પલેક્ષ પાસે રોકી
એક પાડી મૃત હાલતમાં મળી જીવતા પશુઓને દરીયાપુર લઇ જતા હતા
Updated: Jan 9th, 2024
અમદાવાદ, મંગળવાર
અમદાવાદમાં પશુઓની હેરાફેરી વધી રહી છે, તેમાંયે ખાસ કરીને બહાર ગામથી અબોલ પશુઓને લાવીને ગેરકાયદે કતલ કરવામાં આવી રહી છે. સોમવારે રાત્રે જીવદયા પ્રેમીઓેએ ચિલોડાથી ટ્રકનો પીછો કરીને શાહીબાગમાં ઘેવર કોમ્પલેક્ષ પાસે રોકી હતી અને પોલીસને જાણ કરતાં શાહીબાગ પોલીસે મોડાસાના બે શખ્સની ધરપકડ કરી હતી ટ્રકમાંથી જીવતા ૧૪ પશુઓને બચાવીને પાંજરાપોળ ખાતે મોકલી આપ્યા હતા.
પોલીસે મોડાસાના બે શખ્સની ધરપકડ કરી ટ્રકમાં તપાસ કરતાં એક પાડી મૃત હાલતમાં મળી જીવતા પશુઓને દરીયાપુર લઇ જતા હતા
આ કેસની વિગત એવી છે કે જીવદયા પ્રેમીઓએ એક શંકાસ્પદ ટ્રકનો પીછો ચિલોડાથી કર્યો હતો અને શાહીબાગ ઘેવર કોમ્પલેક્ષ પાસે મીરા સર્કલ નજીક રોકી હતી અને અરવલ્લી જિલ્લાના મોડાસાના અરબાઝ મુલ્તાની તથા અમાન ઘાંચીની ધરપકડ કરી હતી. પોલીસે ટ્રકમાં તપાસ કરતાં ૧૪ પશુઓને કતલ કરવાના ઇદારે દરીયાપુર વિસ્તારમાં લઇ જતા હતા. પોલીસે ટ્રકની તલાસી લેતમાં અબોલ પશુઓને દોરડાથી ક્રૂરતા પૂર્વક બાંધીને ઘાસચારો તથા પાણીની સગવડ પણ રાખી ન હતી. પોલીસે આરોપીઓની ધરપકડ કરીને પશુઓને બચાવીને પાંજરાપોળ ખાતે મોકલી આપ્યા હતા.